Western Times News

Gujarati News

30 ડ્રોન માટે અમેરિકાને ભારત ચુકવશે અધધ..22000 કરોડ રુપિયા

નવી દિલ્હી, સરહદ પર ચીન સાથેના તનાવ વચ્ચે દુશ્મનો પર નજર રાખવા માટે અને જરુર પડે તો હુમલો પણ કરી શકે તેવા ડ્રોન ખરીદવા માટે અમેરિકા અને ભારત વચ્ચેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.

અમેરિકાના પ્રિડેટર નામના ડ્રોનને દુનિયાનુ સૌથી ઘાતક ડ્રોન માનવામાં આવે છે.આવા 30 ડ્રોન ખરીદવા માટે ભારત અમેરિકા સાથે 22000 કરોડ રુપિયાની ડિલ કરવાનુ છે.ડ્રોનનુ જે વર્ઝન ભારત ખરીદવાનુ છે તેનુ મૂળ નામ એમક્યુ-9બી લોન્ગ રેન્જ એન્ડ્યોરન્સ ડ્રોન છે.આ ડ્રોન હવામાંથી જમીન પર માર કરનારી મિસાઈલ વડે સજ્જ હોય છે.

આગામી સપ્તાહમાં સરકારની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આ સોદાને લીલી ઝંડી આપશે અને એ પછી કેબિનેટ સમક્ષ મંજૂરી માટે પ્રસ્તાવ મુકાશે.

ડ્રોન સાથેના હથિયારોના પેકેજને અંતિરમ સ્વરુપ હાલમાં અપાઈ રહ્યુ છે.આ વર્ષના અંત સુધીમાં ડ્રોન માટે સત્તાવાર રીતે ડીલ થઈ જશે.સેનાની ત્રણે પાંખને 10-10 ડ્રોન ફાળવવામાં આવશે.આ ડ્રોન અમેરિકન કંપની જનરલ એટોમિક્સ દ્વારા બનાવાય છે.

આ ડ્રોન મલ્ટી પર્પઝ છે.દુશ્મન પર નજર રાખવા, જરુર પડે તો હુમલો કરવા માટે સક્ષમ છે.સાથે સાથે તે દુશ્મનના ડ્રોન હુમલાને પણ નાકામ બનાવવા માટેની ક્ષમતા ધરાવે છે.એટલે સુધી કે દરિયાના પેટાળમાં હંકારતી સબમરિન પર પણ તે નજર રાખી શકે છે.રાત્રે અંધારામાં ઉડવા માટે પણ તે સક્ષમ છે.તેના થર્મલ સેન્સર કેમેરા રાત્રીના અંધારામાં થતી માનવીય હિલચાલનો પણ તાગ મેળવી શકે છે.

તેની રેન્જ 1900 કિલોમીટર છે અને 1700 કિલોના હથિયારો સાથે ઉડી શકે છે.રીમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ડ્રોન માટે બે પાયલોટની જરુર પડતી હોય છે.જેઓ એક વિડિયો ગેમ રમતા હોય તે રીતે આ ડ્રોનનુ સંચાલન કરી શકે છે.હથિયારો વગર આ ડ્રોનનુ વજન 2223 કિલો છે.તેની ઝડપ 432 કિલોમીટર પ્રતિ કલાક  છે.50000 ફૂટની ઉંચાઈ સુધી તે ઉડી શકે છે.

ડ્રોનને હેલફાયર પ્રકારની મિસાઈલ ઉપરાંત બે લેઝર ગાઈડેડ બોમ્બ વડે પણ સજ્જ કરી શકાય છે.તેની અંદર ખાસ પ્રકારના રડાર છે.એક રડાર કોઈ પણ પ્રકારના ટાર્ગેટને લોકેટ કરીને તેના પર હુમલો કરવા માટે મદદ કરે છે અને બીજુ રડાર જાસૂસી માટે મદદરુપ થાય છે.ત્રીજુ રડાર દરિયામાં હંકારી રહેલી સબમરિનને શોધવા માટે મદદરુપ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.