Western Times News

Latest News from Gujarat

વિજ્ઞાનીઓ મચ્છરોની કેવી નસબંધી કરી રહ્યા છે !

સૌથી વધારે માણસોનો ભોગ લેનારા માનવજાતના સૌથી મોટા દુશ્મનોમાં એક મચ્છર છે. ચપટીમાં ચોળાઈ જાય એવા આ તુચ્છ જંતુને કારણે દર વર્ષે દુનિયામાં સરેરાશ ૭૦ કરોડ લોકો માંદા પડે છે અને ઓછામાં ઓછા ૧૦ લાખ માણસો મૃત્યુ પામે છે

દિવાળી વિદાય થઈ ગઈ છે, પરંતુ મચ્છરો વિદાય નથી થયા. દાયકાઓ અગાઉ એવુ બનતું હતું કે ચોમાસામાં જન્મેલા પાર વગરના જંતુઓ, બેકટેરિયા, વાઈરસ વગેરે દિવાળીની રાત્રે થનારા ધૂમધડાકાના ધુમાડામાં ગૂંગળાઈને કાંતો મૃત્યુ પામતા હતા અથવા દૂર દૂર વગડામાં જતા રહેતા હતા, કારણ કે માણસો વસતા હોય ત્યાં તો ફટાકડા અને દારૂખાનું ધૂમધડાકા કરતા જ.

હવે આપણે દારૂખાનું ભયાનક પ્રદુષણ ફેલાવે છે એમ માનીને ફટાકડા ફોડતા નથી, અન્ય આતશબાજી કરતા નથી; એટલે મચ્છરો આપણી આસપાસ જ રહી જાય છે. એ ભાગતા નથી અને મરતા પણ નથી. મચ્છર તો સદીઓથી આપણી આસપાસ રહે છે, એ આપણી આસપાસ રહે તો શું ?

એવો સવાલ મનમાં જાગતો હોય તો જાણી લઈએ કે સૌથી વધુ માણસોનો ભોગ લેનારા માનવજાતના સૌથી મોટા દુશ્મનોમાં એક મચ્છર છે. તે દર વર્ષે ઓછામાં ઓછા ૧૦ લાખ માણસોનો ભોગ લે છે.

કોરોનાએ બે વર્ષમાં આ લખાય છે ત્યાં સુધી આખા વિશ્વમાં પચાસ લાખથી વધુ માણસોનો ભોગ લીધો છે. જયારે કે મચ્છરના કારણે દર વર્ષે ઓછામાં ઓછા ૧૦ લાખ માણસો મૃત્યુ પામે છે. એટલે કે કોરોનાએ બે વર્ષમાં પ૦ લાખ માણસોનો ભોગ લીધો એ દરમિયાન મચ્છરોએ યલો ફીવર, ડેન્ગ્યૂ અને ઝિકા જેવી બીમારીઓ ફેલાવીને ર૦ લાખ માણસોને મૃત્યુના ખપ્પરમાં હોમી દીધા છે.

માત્ર વિશ્વના ચાર વિજ્ઞાનીઓ સતત મચ્છરનો ઉપાય શોધવા કમર કસી રહ્યા છે. પહેલાં તો પાવરફુલ જંતુનાશક દવાઓ છાંટીને મચ્છરોનો સફાયો કરવાના અભિયાન ચલાવવામાં આવ્યા હતાં. પછીથી સમજાયું કે આ તીવ્ર જંતુનાશક દવાઓ જંતુઓનો નાશ તો કરે જ છે,

પરંતુ આમતેમ છંટાઈ ગયેલી દવા કોઈ ને કોઈ રસ્તે અનાજમાં કે પાણીમાં ભળીને આપણા શરીરમાં પણ આવી જાય છે અને કેન્સર જેવા ઘાતક રોગોને જન્મ આપે છે. એટલે હવે મચ્છરોનો નાશ કરવાને બદલે આ વિજ્ઞાનીઓએ મચ્છરોની નસબંધી કરવાનો પ્લાન બનાવ્યો છે. આ નસબંધી આપણા માણસોમાં કરવામાં આવે છે તેવી નહોતી, જંતુઓમાં નસબંધી કરવાની ટેકનિક જુદી હોય છે.

તેમાં જંતુને એવું બનાવી દેવામાં આવે છે કે તેના સંસર્ગથી બચ્ચાં ન જન્મે એની સાથે સાથે એ જેની સાથે સંસર્ગ કરે એ નર કે માદાની પણ નસબંધી થઈ જાય. પછીથી એ પણ સંવનન કરે તો બચ્ચાંને જન્મ ન આપી શકે. તેને સ્ટરાઈલ ઈન્સેક્ટ ટેક્‌નિક કહે છે. વિજ્ઞાનીઓ નસબંધી માટે મચ્છરોને ચોકકસ પ્રકારના વિકિરણોમાંથી પસાર કરાવવાનો પ્રયોગ કરી ચૂક્યા છે.

તેમાં પણ સફળ નથી થઈ શક્યા. અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે રસાયણ તથા રેડિયેશનથી નસબંધી થયેલા મચ્છરો એટલા માંદા પડી જતા હતા કે બહુ મોટી સંખ્યામાં સંવનન કરી શકતા નહોતા. નસબંધી ત્યારે જ સફળ થાય જયારે નસબંધી કરેલા મચ્છર નર-માદા વધારેમાં વધારે નર-માદા સાથે સંવનન કરે.

તેથી આ વખતે નસબંધીનો જુદો જ પ્રકાર તેમણે અપનાવ્યો છે. ફલોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના બાયોલોજિકલ સાયન્સીઝ વિભાગના પ્રોફેસર ફર્નાન્ડો નોરિગા, યુનિવર્સિટી સાન્તા બાર્બરાના પ્રોફેસર ક્રેગ મોન્ટેલ અને તેમના સાથીઓએ મચ્છરોને નસબંધી કરવાનો પ્રયોગ જરાક જુદી રીતે ડિઝાઈન કર્યો છે. માણસોનું મૃત્યુ નીપજાવનાર મોટાભાગના રોગ એડિસ એજિપ્તી પ્રકારનો મચ્છર જ ફેલાવે છે. મૂળ તો તેઓ આફ્રિકામાં જ થતા હતા. તેથી બાકીના જગતમાં તેમનો હાહાકાર નહોતો, પરંતુ વિમાનો, વહાણોની અવરજવર મારફત એડિસ એજિપ્તી મચ્છરો આખી દુનિયામાં ફરી વળ્યા છે.

વિજ્ઞાનીઓએ હજારો એડિસ એજિપ્તી મચ્છર પકડીને પ્રયોગશાળામાં પૂરી દીધા. અહીં તેમના જીનમાં એવો ફેરફાર કર્યો કે તેના શુક્રમાં ગરબડ થઈ જાય. પછી તેમને ખુલ્લા વગડામાં છોડી દીધા. આ નસબંદી કરેલા મચ્છર ખુલ્લા વગડામાં જેટલી માદાઓ સાથે પ્રજનન કરે એ બધી માદાઓના શરીરમાં નરનું જેનેટિક રીતે ચોક્કસ ખામીવાળું બનાવાયેલું પ્રજનન દ્રવ્ય જાય. એ પછી માદાના શરીરમાં એવા ફેરફાર થાય કે તેનાં બીજ (ઈડાં) પણ થોડાંક ખામીભર્યા બનવા લાગે.

એટલ કે તેની પણ થોડા પ્રમાણમાં જેનેટિક નસબંધી થઈ જાય. પ્રથમ સંવનનથી જે બચ્ચાં જન્મે એ બધાં થોડું ખામીભર્યું પ્રજનન દ્રવ્ય ધરાવતા હોય એટલે તેઓ પ્રજનન કરે ત્યારે વધુ એક પેઢી અંશતઃ નસબંધીવાળી જન્મે. આ બાજુ નસબંધી થયેલી માદાઓ જે નવા નર સાથે સંવનન કરે તે

નર થકી બચ્ચાં ગરબડવાળાં જ જન્મે અને પેલા જંગલી નરની પણ નસબંધી થઈ જાય. આમ, ધીમેધીમે મચ્છરોમાં થોડીક નસબંધી થયેલાની સંખ્યા વધતી જાય. વળી દરેક પ્રજનન પછી મચ્છરોમાં નસબંધીની અસર પણ વધતી જાય. જેટલી અસર વધે એટલો નવા બચ્ચાંનો જન્મ ઘટતો જાય. ધીમે ધીમે મચ્છરોની વસતી ઓછી થવા લાગે.

દરેક નવી પેઢી ઉત્તરોત્તર વધારે મચ્છર-મચ્છરાણીઓને નસબંધી કરાવતા જાય તો એક સમય એવો આવે કે કોઈ મચ્છર પ્રજનન કરવા સક્ષમ નહીં બચે. વિજ્ઞાનીઓ માને છે કે આ સ્થિતિ આવતાં પાંચથી સાત વર્ષ લાગશે, પછી આપણને એડિસ એજિપ્તી મચ્છરોથી છુટકારો મળી જશે. તેમનાથી ફેલાતા યલો ફીવર, ઝિકા, ડેન્ગ્યૂ વગેરેથી મુક્તિ મળી જશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers