Western Times News

Latest News from Gujarat

પેટલાદ APMCના ચેરમેન બિનહરીફની વરણી થઈ

APMCની અંદાજીત રૂ.૩૨ કરોડ જેટલી બજાર કિંમત વાળી જમીનનો કેસ કોર્ટમાં ચાલે છે. તેનો વહેલીતકે નિકાલ લાવવા કવાયત થશે

(પ્રતિનિધિ)પેટલાદ, આજરોજ પેટલાદ એપીએમસીના સભાખંડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેનપદે સંદિપભાઈ (સરદાર) બિપીનભાઈ પટેલ તથા વાઈસ ચેરમેનપદે રમેશભાઈ વલ્લવભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. સરકારના કાયદા તથા નિયમોને આધિન એપીએમસીમાં ચેરમેન – વા.ચેરમેન બદલાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી તાજેતરમાં બિનહરીફ સંપન્ન થઈ હતી. ત્યારબાદ સંસ્થાના ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણી માટે જીલ્લા રજીસ્ટ્રાર અવની વોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જે અન્વયે આજરોજ સવારે ૧૧ કલાકે એપીએમસીના સભાખંડમાં ચૂંટણી અધિકારી અવની વોરાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે મુજબ ચેરમેનપદ માટે સંદિપભાઈ બિપીનભાઈ પટેલ તથા વાઈસ ચેરમેન માટે રમેશભાઈ વલ્લવભાઈ પટેલના જ ઉમેદવારી પત્રો આવ્યા હતા. જેથી ચૂંટણી અધિકારીએ આ બંન્નેને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.

બિનહરીફ થયેલ સંદિપભાઈ અને રમેશભાઈને ઉપસ્થિત સૌ ડિરેક્ટરો, સહકારી આગેવાનો, દૂધ મંડળી – સેવા સહકારી મંડળીઓના હોદ્દેદારો, તાલુકા – શહેર ભાજપના હોદ્દેદારો વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે પૂર્વં ચેરમેન તેજસભાઈ (જીગાભાઈ) પટેલે જણાવ્યું હતું કે પેટલાદ એપીએમસીનો વહિવટ અમારી પાસે વર્ષ ૨૦૧૨થી આવ્યો છે.

તે સમયે માત્ર રૂ.૩૦ લાખની આવક હતી. જેમાંથી પગાર અને અન્ય ખર્ચા જ નીકળતા હતા. પરંતુ ગત દસ વર્ષ દરમ્યાન આવકમાં જંગી વધારા ઉપરાંત ખેડૂતલક્ષી અનેક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત શાકમાર્કેટનું નવિનીકરણ, ખેડૂત સહાયતા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે. હવે પછી પણ પેટલાદ એપીએમસીના વિકાસની હરણફાળ નવા ચેરમેન સંદિપભાઈના નેતૃત્વમાં આગળ વધશે. જેઓને આપણે સૌએ સહકાર આપવાનો છે.

ઉપરાંત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ગામડાઓ સુધી લઈ જવા આપણે હંમેશાં પ્રયત્નશીલ બનવાનું છે. ગામડાઓમાં ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સ્થિતી વધુ મજબૂત બનાવવા મંડળીઓને પગભર બનાવવી પડશે. જે માટે પશુઓના છાણ, કચરો, પ્લાસ્ટિક વગેરે પણ ભેગા કરી તેને પ્રોસેસ કરી તેમાંથી આવક ઉભી થાય તે માટે આપણે પ્રયત્ન કરવાના છે.

જેનાથી ગામડાઓ પણ સ્વચ્છ બનશે. આ ચૂંટણીમાં ચેરમેન – વા.ચેરમેન બદલાવા અંગે તેઓએ જણાવ્યું હતું કે સરકારના કાયદા તથા વર્ષ ૨૦૨૦ના નવા નિયમો મુજબ સતત બે ટર્મ સુધી જે કોઈ ચેરમેન કે વા.ચેરમેન પદે રહ્યા હોય તેઓ ત્રીજી ટર્મમાં પદ મેળવી શકતા નથી. આમ પેટલાદ એપીએમસીમાં પ્રથમ અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની આજરોજ બિનહરીફ વરણી થઈ હતી.

૧૬ વિઘા જમીન પરત લાવો
આજરોજ પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન – વા.ચેરમેનની ચૂંટણી બાદ સભાને સંબોધતા તેજસભાઈ (જીગાભાઈ) પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્થાની અંદાજીત રૂ.૩૨ કરોડ જેટલી બજાર કિંમત વાળી જમીનનો કેસ કોર્ટમાં ચાલે છે. તેનો વહેલીતકે નિકાલ લાવી જમીન પરત લેવા ઉપર આપણે સૌએ ચિંતા કરવાની છે. આ અંગે સરકારમાં પણ ભાજપના સ્થાનિક નેતાઓ સહિત આપણે રજૂઆત કરી છે. જાે આ જમીન પરત મળે તો ખેડૂતલક્ષી અનેક યોજનાઓ શરૂ કરી શકાય તેમ છે.

ખેડૂતોએ પાક બદલવાની જરૂર
પેટલાદ એપીએમસીના પૂર્વ ચેરમેન અને સહકારીતા સેલના પ્રદેશ સદસ્ય તેજસભાઈ પટેલે પાક બદલવા ખેડૂતોને હાકલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતીમાં આપણે ત્યાં વર્ષ દરમ્યાન બાજરી, ડાંગર, ઘઉંનો પાક કરીએ છે. પરંતુ હવે તેમાંથી બહાર આવી આપણે આયુર્વેદિક ઔષધિઓના પાક તરફ વળવાની જરૂરિયાત છે. જે માટે આપણે તેના ઉત્પાદન અને વેચાણની પૂરતી વ્યવસ્થા આગામી સમયમાં કરવા જઈ રહ્યા છે. જેનાથી ખેડતોની આર્થિક સ્થિતી વધુ મજબકત થશે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers