Western Times News

Gujarati News

લગ્ન સીઝન શરૂ થતાં જ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ

અમદાવાદ, માર્ચ, ૨૦૨૦માં કોરોના મહામારીની એન્ટ્રીથી રાજ્ય સરકારે લાગુ કરેલા પ્રતિબંધોના કારણે ઘણા લોકોએ તેમના લગ્ન પ્રસંગને પાછળ ઠેલવ્યા હતા. કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરમાં પણ લગ્નમાં માત્ર ૫૦ મહેમાનોને જ આમંત્રિત કરવાની છૂટ હતી.

જાે કે, છેલ્લા કેટલાક મહિનાથી કેસ ઘટતા અને સરકારે છૂટ આપતાં આગામી કેટલાક મહિનામાં હજારોની સંખ્યામાં લગ્નપ્રસંગ યોજાવાના છે. જેની શરૂઆત દેવદિવાળીથી થઈ ગઈ છે. શહેરના તમામ હોલ, પાર્ટી પ્લોટ અને હોટેલ પેક જાેવા મળી રહી છે. લગ્ન પ્રસંગ હોય ત્યાં દાગીના અને પૈસા તો હોવાના જ. આ દરમિયાન તેની ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ છે.

અમદાવાદમાં બે વર્ષ પહેલા કે જ્યારે કોરોના નહોતો ત્યારે પાર્ટી પ્લોટમાં લગ્ન દરમિયાન દાગીના કે પૈસા ભરેલી બેગની ટોળકીએ ચોરી કરી હોય તેવા અનેક કિસ્સા અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અમદાવાદમાં ફરીથી લગ્નની સીઝન જામી છે ત્યારે ચોર ગેંગ સક્રિય થઈ છે.

બે વર્ષ પહેલાની જ વાત કરીએ તો વસ્ત્રાપુરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાના પરિવારની નજર ચૂકવીને એક છોકરો દાગીના ભરેલું પર્સ લઈને રફૂચક્કર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે માંડ ૧૦-૧૨ વર્ષનો હોવાનું સામે આવ્યું હતું.

જેને પોલીસે ઝડપી લીધો હતો. વસ્ત્રાપુરમાં ચોરી એ માત્ર એક કિસ્સો નહોતો. તે સમયે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં દાગીના તેમજ પૈસા ભરેલી બેગ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ રોજે-રોજ નોંધાતી હતી. આ વર્ષે આવી ઘટના કોઈની સાથે ન બને તે માટે પોલીસે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

શહેરના સીનિયર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, તમામ હોટેલ, પાર્ટી પ્લોટ અને હોલ કે જ્યાં લગ્ન સમારોહ યોજાવાનો હોય ત્યાં તેમના સંચાલકોએ પણ ખાસ ધ્યાન રાખવું જાેઈએ અને સિક્યુરિટી સિસ્ટમ વ્યવસ્થિત રાખવી જાેઈએ.

સેક્ટર-૧ના જાેઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અંસારીએ કહ્યું હતું કે, ‘લગ્નની સીઝન શરૂ થઈ ત્યારથી જ શહેરની તપાસ પોલીસને વધુ એલર્ટ થઈ જવાની સૂચના આપવામાં આવી છે. લગ્ન ચાલતા હોય ત્યાં વધારે પેટ્રોલિંગ કરવા અને આવા ગુનામાં સંડોવાયેલા તત્વો પર વોચ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમના ઘરે લગ્ન હોય તેમણે પણ વધારે સાવચેત રહેવું કે જેથી આવી ઘટના બને નહીં’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.