Western Times News

Gujarati News

‘ગાડીમાંથી ઓઇલ ટપકે છે’ કહી ગઠિયા શિક્ષકની નજર ચૂકવી બેગ ચોરી ફરાર

પ્રતિકાત્મક

શિક્ષક કારમાંથી ઊતરી જાેવા ગયા ને ગઠિયા આઠ હજાર રોકડા તેમજ યુએસનું ડેબિટ કાર્ડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ લઇ છુમંતર

અમદાવાદ, જાે કોઇ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને કહે કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તો ધ્યાન રાખજાે, કારણ કે ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહીને ગાડીમાં રહેલ રોકડ તેમજ ચીજવસ્તીઓની ચોરી કરતી ગેંગ શહેરમાં સક્રિય બની છે. આવો જ એક કિસ્સો બોપલમાં રહેતા શિક્ષક સાથે બન્યો છે.

બોપલના ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રહેતા અને ગાંધીનગર ખાતે રેડિયન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશ ભૂવાએ ત્રણ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે ગોતા બ્રિજ પાસે શિક્ષણ કામ અર્થે મહેશ્વર ઉપાધ્યાયને મળવા કાર લઇને ગયા હતા. શિક્ષક ગોતા બ્રિજ પાસે તેમની કામ લઇને ઊભા હતા.

તે દરમિયાન તેમની પાસે એક ગઠિયાએ આવીને કહ્યું કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે. તમે બહાર નીકળીને જુઓ. જેથી શિક્ષકે કારમાંથી ઊતરીને બોનેટ ખોલી તપાસ કરતા કંઇ ખામી જાેવા મળી ન હતી. તે ગાડીનું બોનેટ બંધ કરી ગાડીમાં બેઠા ત્યારે પાછળ અન્ય બે ગઠિયા આવીને કારમાં મુકેલ પર્સ લઇને ફરાર થઇ ગયા હતા. શિક્ષક જ્યારે બેસવા ગયા ત્યારે કારની આગળની સીટ પર મૂકેલ બેગ ગાયબ હતી.

ત્રણ ગઠિયા શિક્ષકની નજર ચૂકવી આઠ હજાર રોકડા, અલગ અલગ બેન્કના ડેબિટ કાર્ડ, અગત્યના ડોક્યુમેન્ટ, તેમજ તેમના દીકરાના યુ.એસ. એનું ડેબિટ કાર્ડ સહિત મુકેલ બેગ લઇ ફરાર થઇ ગયા હતા. શિક્ષકે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી ત્રણ ગઠિયા વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભેજાબાજ ટોળકી ઓઇલ ટપકે છે. એમ કહીને એવા અપરાધને અંજામ આપી રહી છે, જેનાથી પોલીસ પણ ચોંકી ઊઠી છે. શહેરમાં આ અંગે ચેતવણીઓ જારી કરવામાં આવી હોવા છતાં રોજ કોઇને કોઇ વ્યક્તિ આવા ઠગોની વાતોમાં આવીને છેતરાઇ જાય છે,

ખાસ કરીને તમે જ્યારે કોઇ કીમતી સામાન લઇને ક્યાંક જઇ રહ્યા હોય તો તમારે આ અંગે વધુ સાવધાની રાખવી પડશે, કારણ કે અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કારમાં ચોરી કરતી ગેંગ ગણતરીના સેકન્ડોમાં ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.