Western Times News

Gujarati News

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા પર મળી મંજૂરી

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બર, શુક્રવારનાં રોજ સવારે ૯ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં અચાનક ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી અને આજે તે જાહેરાતનાં અમલીકરણની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી રહી છે. તમામની નજર આ બેઠક પર ટકી છે. આજની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણેય નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે. આ પહેલા ૧૯ નવેમ્બરનાં રોજ ગુરુ પર્વનાં દિવસે નરેન્દ્ર મોદીએ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. કેબિનેટની મંજૂરી બાદ આગામી સંસદનાં શિયાળુ સત્રમાં બન્ને ગૃહોમાં કાયદો પાછો ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે.

આ પછી, ખેડૂતોનાં આંદોલનનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદાઓને નાબૂદ કરવામાં આવશે. ભારત સરકારે ૨૯ નવેમ્બરથી શરૂ થતા સંસદનાં શિયાળુ સત્ર માટે ધી ફાર્મ લોઝ રિપીલ બિલ, ૨૦૨૧ને લોકસભા બુલેટિનમાં સૂચિબદ્ધ કર્યું છે.

સંસદનાં બન્ને ગૃહો દ્વારા કાયદાઓ પાછી ખેંચવા માટેનું બિલ પસાર થયા પછી, રાષ્ટ્રપતિ દ્વારા તેના પર અંતિમ મહોર આપવામાં આવશે. તે રાષ્ટ્રપતિની સહી સાથે ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. લોકસભાનાં બુલેટિન મુજબ ધ ફાર્મ લેઝ રિપીલ બિલ, ૨૦૨૧ બિલ ‘ખેડૂતોનું ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, ૨૦૨૦, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર, કૃષિ સેવાઓ અધિનિયમ, ૨૦૨૦ અને આવશ્યક ચીજવસ્તુઓ (છ) અધિનિયમ, ૨૦૨૦ રદ્દ કરવા માટે રજૂ કરવામાં આવશે.

આ પહેલા શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર આ મહિનાનાં અંતમાં શરૂ થનારા સંસદનાં શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરશે અને જરૂરી બિલો લાવશે.

વડા પ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુત્તમ ટેકાનાં ભાવ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરશે. ૨૦૨૦માં કેન્દ્રએ કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાનો સતત વિરોધ કરી રહ્યાં છે.

સરકારનાં ર્નિણય છતા આંદોલનકારી સંગઠનોએ જ્યાં સુધી કાયદા સંસદમાં પરત નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.