Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, ગુલાબની ખેતી કરતાં ખેડૂતો ગુલાબના ફુલો ગાયોને ખવડાવે છે

તહેવારોના સમયમાં 400 રૂપિયા પ્રતિકિલો મળતો ભાવ હાલમાં 15 રૂપિયા કિલો થતા ખેડૂતોને આર્થિક નૂકશાન

ગુલાબની ખેતીમાં  પોષણક્ષમ ભાવ ન મળતા ફુલનો પાક પશુઓને ખવડાવા મજબૂર  બન્યા 

કાલોલ,    પંચમહાલ જીલ્લામાં આવેલો કાલોલ તાલુકો બાગાયતી ખેતી માટે જાણીતો છે. બદલાતા આધુનિકીકરણ સાથે વૈજ્ઞાનિક પધ્ધતિ સાથે કરવામા આવતી બાગાયતી ખેતી તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. જેમા કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડુતો ગુલાબની ખેતી કરે છે,

પણ હાલમા બજારમાં ફુલોના ભાવ તળિયે જતા ખેડુતોને રોવાનો વારો આવ્યાની પરિસ્થિતી ઉભી થવા પામી છે.હાલમાં બજારમાં ગુલાબના ફુલોના ભાવ 10થી 20 રૂપિયે કિલો થતા ખેડુતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. એટલુ જ નહી ખેડુતો  ગુલાબના ફુલો ગાયોને ખવડાવી રહ્યા છે.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં બાગાયતી ગુલાબના પાકની ખેતી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે.ગુલાબની ખેતીમાં સારી એવી આવક મળતી હોવાથી તેની તરફ દોરાયા હતા. અહી ગુલાબની સાથે ગલગોટાની ખેતી પણ થાય છે.કાલોલ પંથકના ફુલોની માંગ ગુજરાતના વડોદરા, અમદાવાદ,સુરત જેવા મોટા શહેરોમાં હોય છે.

પાછલા બે વર્ષમાં કોરાનાના કારણે લોકડાઉનના કારણે ધાર્મિક સ્થળો બંધ હોવાને કારણે ફુલોની ખેતી કરનારા  ખેડુતોને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.જ્યારે હવે કોરાનાની લહેર ઓછી થતા ફરી ખેડુતો ફુલોની ખેતી તરફ ધ્યાન આપી બે પૈસા રળી લેવાના પ્રયાસો કરી રહ્યા હતા.

ત્યાજ બજારમાં ગુલાબાના ફુલોના ભાવો સાવ તળિયે બેસી જતા ખેડુતોને જાણે પડતા પર પાટુ પડ્યા જેવો ઘાટ સર્જોયો છે.કાલોલ તાલુકાના રામનાથ ગામ સહિતના આસપાસના ગામોમાં દરરોજ 1000  કિલો જેટલા ગુલાબના ફુલોનુ ઉત્પાદન થાય છે.પણ ગુલાબનો ભાવ નહી મળતા ખેડુતોની સ્થિતી કફોડી બની છે.

ખેડુતોનુ જણાવવુ છે કે ‘‘ ગુલાબના ભાવ પ્રતિકિલો 60 થી 70 રુપિયા મળે તો જ પોસાય શકે છે. પણ 10 થી 15  રુપિયા ભાવ મળી રહ્યા છે.તહેવારોનાસમયમાં ગુલાબના પ્રતિકિલોના ભાવ  300 થી 400 રુપિયા કિલો મળી રહેતા હોય છે. તહેવાર બાદ પોષણક્ષમ ભાવ પણ મળતા નથી.

વધુમાં ગુલાબ ની ખેતીમાં મજુરી અને પરીવહનનો ખર્ચો નહી નીકળતા હાલમા ખેડુતો ભાવ નહી મળતા ખેડુતો ગુલાબને પોતાના પશુઓને ખવડાવી રહ્યા છે. પોતાની ગુલાબની ખેતી બદલીને અન્ય ખેતીતરફ વળે તેવી સંભાવના પણ લાગી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.