Western Times News

Gujarati News

ભવિષ્યમાં અનેકવિધ ક્ષેત્રોમાં ડ્રોનનો વ્યાપક ઉપયોગ થશે  – મુખ્યમંત્રી

ગુજરાત ડ્રોન મહોત્સવનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત ડ્રોન મહોત્સવ”માં કંપનીઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા ડ્રોન ટેકનોલોજી અને તેના ઉપયોગનું નિદર્શન કરવામા આવ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ડ્રોન મહોત્સવને સંબોધતા જણાવ્યું હતું કે,  ભવિષ્યમાં અનેકવિધ ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ,સંરક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં તે મહત્વની ભૂમિકા ભજવશે.

મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન યુગમાં ડ્રોનના વધી રહેલા મહત્વને રેખાંકિત કરતા કહ્યું કે, આજે સંરક્ષણ, પર્યાવરણ, કૃષિ અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે અને આ દિશામાં થઈ રહેલા પ્રયાસોને વધુ વેગવાન બનાવવા માટે ગુજરાત ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જીએમડીસી ખાતે આયોજિત ગુજરાત ડ્રોન મહોત્સવ દરમિયાન ડ્રોન ટેકનોલોજી અને તેના વપરાશ અંગેનું નિદર્શન નિહાળ્યું હતું.

આ ડ્રોન મહોત્સવના આયોજનમાં ગુજરાત સરકાર ઉપરાંત રાજ્યની વિવિધ ડ્રોન કંપનીઓ, ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય,ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને IDSR  જેવી સંસ્થાઓ સહભાગી થઈ હતી. જેમાં યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, સંશોધકો, પ્રશાસકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ મહોત્સવ દરમિયાન વિવિધ કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ડ્રોન ટેકનોલોજી અને તેના ઉપયોગો અંગે નિદર્શન કરવામાં આવ્યું હતુ.

નોંધપાત્ર બાબત એ છે કે  છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી વિભાગો, સંરક્ષણ, લશ્કરી સંસ્થાઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. વળી તે, ખેતીવાડી, વન, આરોગ્ય, ફાયરબ્રિગેડ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ દિન-પ્રતિદિન તેનું મહત્વ વધી રહ્યું છે.

દેશમાં ડ્રોનના ઉપયોગકર્તા- ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં જાગૃતિ આણવાના હેતુથી આ  ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્ષ્પોના આયોજનોને પણ આ કાર્યક્રમ થકી બળ મળશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે શ્રી પ્રદીપ પટેલ ( સીઈઓ, પ્રાઈમ યુએવી)ની  પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ,અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ મુખ્ય પ્રાયોજક હતા, જ્યારે બ્લૂ રે એવિએશન સહ-પ્રાયોજક હતા.

આ કાર્યક્રમમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના સેક્રેટરી શ્રી અંબર દુબે તેમજ એર માર્શલ શ્રી આર.કે.ધીર તેમ જ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રોનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનું પણ  પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.