Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

રાજપીપળા : નર્મદા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર જાહેર શાંતિ અને સલામતી માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧ લી ઓકટોબર, ૨૦૧૯ ના ૦૦=૦૦ કલાકથી તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ ૨૪=૦૦ કલાક સુધીના (બન્ને દિવસો સહિત) નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્અનુસાર, ઉક્ત સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહિ, એકઠા કરવા નહિ, અથવા તૈયાર કરવા નહિં.

મનુષ્‍યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહિ, અશ્લિલ ગીતો ગાવા નહિ અથવા ટોળામાં ફરવું નહિ. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કરવા નહિ અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહિ, બતાવવી નહિ, તેનો ફેલાવો કરવો નહિ.

સરકારી નોકરી કે કામ કરતી કોઇ વ્યક્તિઓને કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇ પણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું કોઇ હથિયાર લઇ જવાની ફરજ હોય, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા પોલીસ અધિક્ષકશ્રીએ તેને અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારી કે જેને શારિરિક અશકિતના કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી શકાય તે વ્‍યકિતને તેમજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી નર્મદા અથવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી નર્મદા આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્‍યકિતઓને ઉક્ત હુકમનો ખંડ (ક) લાગુ પડશે નહિ.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર દંડ અને સજાને પાત્ર ઠરશે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.