Western Times News

Gujarati News

આણંદ કૃષિ યુનિવર્સિટીને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં ર૦મું સ્થાન પ્રાપ્ત થયું

આણંદ કૃષિ યુનિવર્સિટીએ કોરોના મહામારીના કપરા સમયમાં પણ સારી કામગીરી કરી

(પ્રતિનિધિ) આણંદ, કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે અગ્રેસર એવી આણંદ કૃષિ યુનિવર્સિટીએ સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના રેન્કીંગમાં ર૦મું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ (આઈસીએઆર), નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સમીતીની રચના કરી કૃષિ યુનિવર્સિટીઓનું વિવિધ માપદંડો જેમ કે, શિક્ષણની ગુણવત્તા, નવિનતમ સંશોધનો તેમજ કૃષિ વિસ્તરણ ક્ષેત્રે થયેલ પ્રગતિના આધારે રેન્કીંગ કરવામાં આવતું હોય છે.

સમગ્ર ભારતમાં કૃષિ શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃતિઓ માટે ૪ ડીમ્ડ યુનિવર્સિટીઓ, ૩ કેન્દ્રિય યુનિવર્સિટીઓ અને ૬૩ રાજય કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે. વધુમાં કૃષિ શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરવામાં આવેલ પ્રદર્શન, શિક્ષકોની ગુણવત્તા/ મહત્તમ ઉપાધી, પ્રકાશિત રિસર્ચ પેપર્સ, પેટ્‌ન્ટ, નાણાકીય વ્યવસ્થાપન,

વિદ્યાર્થીઓ દ્વારા લાયબ્રેરીનો કાર્યક્ષમ ઉપયોગ તેમજ ખેડૂતલક્ષી વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓના જુદા-જુદા માપદંડો મુજબ રેન્કીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ગત વર્ષ દરમ્યાન આણંદ કૃષિ યુનિવર્સિટીએ કોરોના મહામારીના કપરા સમયમાં પણ ખૂબ સારુ પ્રદર્શન કરીને આ વખતે ૬૭ યુનિવર્સિટીઓ/ સંસ્થાઓ પૈકી ર૦મું સ્થાન મેળવીને સમગ્ર રાજયનું ગૌરવ વધારેલ છે.

આ તબકકે આણંદ કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી, ડો. કે.બી. કથીરીયાએ આ સિદ્ધિ બદલ સમગ્ર શિક્ષકો, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારૂ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવેલ છે. આગામી સમયમાં પણ આણંદ કૃષિ યુનિવર્સિટીની સમગ્ર ટીમ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને નવા આયામો પ્રાપ્ત કરતી રહે તેવી આશા વ્યકત કરેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.