Western Times News

Gujarati News

હાટકેશ્વરમાં તલવારો સાથે આવેલા ટોળાએ આંતક મચાવ્યો

પથ્થરમારો કરતા નાસભાગ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઃ ગાડીઓમાં તોડફોડ

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના  કારણે સ્થાનિક નાગરિકો ભય ના માહોલ વચ્ચે જીવી રહયા છે.  ગઈકાલે ડબલ મર્ડર કેસની તપાસ હજુ ચાલુ છે

ત્યાં જ વધુ એક ચોકાવનારી ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ખોખરા પોલીસ સ્ટેશન હેઠળના હાટકેશ્વર વિસ્તારમાં સ્મશાન ગૃહની પાછળની ભાગે આવેલી એક સોસાયટીમાં પાંચથી વધુ શખ્સો હાથમાં ખુલ્લી તલવારો સાથે ધસી આવી વાહનોમાં તોડફોડ કરી પથ્થર મારો કરતા નાસભાગ મચી ગઈ હતી.

આરોપીઓ દ્વારા સ્થાનિક નાગરિકોને ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવતી હતી આ તમામ કરતુતો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને તેનો વીડિયો વાયરલ થતાં આરોપીઓને પકડવા માટે પોલીસતંત્ર એલર્ટ થયું છે. આરોપીમાં બે શખ્સોના નામ બહાર આવ્યા છે. હાલમાં ખોખરા પોલીસ ડબલ મર્ડર અને વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે આવવાના હોવાથી તેમના બંદોબસ્તમાં વ્યસ્ત છે જેના પરિણામે આ આરોપીઓને ઝડપી લેવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને આજ રાતથી જ આ અંગે વોચ ગોઠવવામાં આવનાર છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે ખોખરા વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હતી જેના પગલે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ અંગે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે આવવાના હોવાથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

જેના લીધે ખોખરા પોલીસ ખૂબ જ વ્યસ્ત જણાઈ રહી છે આ પરિસ્થિતિમાં હાટકેશ્વર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. બે દિવસ પહેલા હાટકેશ્વર પુલ નજીક આવેલા સ્મશાન ગૃહ પાછળ આવેલી મહેશ્વરી સોસાયટીમાં ધોળે દિવસે હાથમાં તલવારો અને પાઈપો સાથે પાંચથી વધુ શખ્સો ધસી આવ્યા હતા. હાથમાં તલવારો સાથે આવેલા યુવકોએ ખુલ્લેઆમ સ્થાનિક નાગરિકો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી.

જેના પગલે સમગ્ર સોસાયટીમાં આંતક ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી જતાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી આરોપીઓએ સોસાયટીની બહાર પાર્ક કરેલી ગાડીઓ તથા અન્ય વાહનોના કાચો તોડી આંતક ફેલાવ્યો હતો.
હુમલાખોરોએ આંતક ફેલાવ્યા બાદ ધમકીઓ આપવા લાગ્યા હતા જેના પરિણામે સ્થાનિક નાગરિકો ફફડી ઉઠયા હતા

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી ધોળે દિવસે બનેલી આ ચોંકાવનારી ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જતા આરોપીઓ ભાગી છુટયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.