Western Times News

Gujarati News

કાળમુખા કોરોનાના પ્રતિકાર માટે ટીનેજર્સને રસીનું સુરક્ષા કવચ પ્રાપ્ત થયુ

કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” થી ટીનેજર્સને “મેગા કવચ” -ન્યુ યરના નવા સપ્તાહમાં રાજ્યના ટીનેજર્સને કોરોના રસીની ગિફ્ટ આપતા આરોગ્ય પ્રધાન

સિવિલ હોસ્પિટલના કોરોના  રસીકરણ કેન્દ્રમાં કિશોરોને આરોગ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોના રસીનુ સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે  ૭૦ ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત ૯૫% નાગરિકોને કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રી શ્રી એ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે ૧૫ થી ૧૮ વર્ષના અંદાજે ૩૫ લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે.

આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની  શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને  ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભ થી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15 થી 18 વયજૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. રાજ્યમાં અંદાજે ૬૩૦૬થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે.

ટીનેજર્સ ને કોરોના રસીકરણના પ્રારંભ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.