Western Times News

Gujarati News

‘સ્વચ્છ ગાંધીનગર’ ના સુત્ર સાથે યોજાયેલી સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૨માં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે ‘સ્વચ્છ ગાંધીનગર’ ના સુત્ર સાથે યોજાયેલ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા અને સ્વચ્છતા સ્પર્ધા અંતર્ગત થયેલ વિવિધ કોમ્પિટીશનમાં વિજેતા બનેલ સંસ્થાઓ અને સ્પર્ધકોને મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે ‘‘સ્વચ્છ ગાંધીનગર’’ના સુત્ર સાથે શહેરની શાળાઓ, હોટેલ્સ, હોસ્પિટલ્સ, સરકારી કચેરીઓ, રેસિડેન્સીયલ સોસાયટીઓ, માર્કેટ/શોપિંગ કોમ્પ્લેક્ષ વગેરે કેટેગરી માટે ઓનલાઈન ફોર્મ સબમીશન દ્વારા સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૮૦ જેટલી સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાંથી સ્વચ્છતાના માપદંડોનાં આધારે તમામ કેટેગરીમાં ત્રણ શ્રેષ્ઠ સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલ સંસ્થાઓને આજરોજ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા.

આ સાથે જ ગાંધીનગરને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં નિરંતર પ્રયત્નશીલ એવા નાગરિકો/સંસ્થાઓને “સ્વચ્છતા ચેમ્પિયન” તરકે આગવી ઓળખ મળે તે હેતુથી તેઓને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં. તથા તેઓની કામગીરીને ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી.

ગાંધીનગર મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે ‘‘સ્વચ્છ ગાંધીનગર’’ના સુત્ર સાથે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારના બાળકો, યુવાઓ, વડિલો અને સંસ્થાઓને જાેડવા માટે પોસ્ટર, ડ્રોઇંગ, મુવી મેકિંગ, જીંગલ મેકિંગ અને સ્ટ્રીટ પ્લે કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘‘સ્વચ્છ સ્પર્ધા’’ના નામથી યોજાયેલ આ સ્પર્ધાના આયોજન પાછળનો મુખ્ય હેતુ અત્યંત મહત્વના સ્વચ્છતાના મુદ્દે વધુ લોક જાગૃત્તિ કેળવવાનો હતો. સાથે જ લોકોની સ્વચ્છતા સંબંધી આદતોમાં સુધારો લાવવાનો આ પ્રકારે પ્રયાસ કરાયો છે. જેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને પણ આજરોજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.