Western Times News

Gujarati News

કુકાવાવની ખજૂરી પ્રાથમિક શાળા એટલે  ખારા રણમાં મીઠા પાણીની વિરડી સમાન !!

ખાનગી શાળાઓની તંદુરસ્ત હરીફાઈ વચ્ચે પણ નવા ૮૩ બાળકોને પ્રવેશ અપાવ્યો

(કશ્યપ જોશી) રાજકોટ,  આજના યુગમાં ખાનગી શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. વાલીઓ પણ લખલૂટ ખર્ચા કરીને પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવી રહ્યા છે. એક રીતે જોઈએ તો ખાનગી અને સરકારી શિક્ષણ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ ચાલી રહી છે.

આમ છતાં ખાનગી શિક્ષણ તરફ વળતા બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓ તરફ વાળવા માટે ખજુરી પ્રાથમિક શાળાના શિક્ષકોની અદકેરી ધગશ ઊડીને આંખે વળગે તેવી જોવા મળી છે.

આ બાબતે વિગતો આપતા અમરેલી જિલ્લાના, કુંકાવાવ તાલુકાની ખજુરી પ્રાથમિક શાળાના શિક્ષક કાંતિલાલ ઠાકરે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિક શાળા હંમેશા કોઈ ને કોઈ વાતે આગળ વધવા પ્રયાસો કરી રહી છે.

ગુણોત્સવ અને વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમોમાં ખજુરી પ્રાથમિક શાળા હંમેશા અવ્વલ નંબરે રહી છે. દિલ્હી ખાતે યોજાયેલ વિજ્ઞાન મેળામાં તાજેતરમાં જ આ શાળાની બે કૃતિઓ રજુ થઈ હતી.

એક જ શાળાની બે કૃતિઓ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ થઇ હોવાનું હોવાનો આ પહેલો દાખલો હોવાનું કાંતિલાલ ઠાકરે જણાવ્યું હતું. સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી વાત બતાવતા તેઓએ જણાવ્યું હતું કે ખજુરી પ્રાથમિક શાળાની આજુબાજુ ચાલતી ખાનગી શાળા માંથી 83 વિદ્યાર્થીઓને અને તેઓના વાલીઓને સમજાવીને ખજુરી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાયો છે.

શાળાના શૈક્ષણિક કાર્યમાં તમામ શિક્ષકો ભારે નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે  તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે જો સરકારી શાળામાં શિક્ષકો ખંતપૂર્વક ફરજ બજાવે તો ઉત્તમ શિક્ષણ શક્ય છે. 

આ માટે સમયાંતરે વાલીઓએ પણ જાગૃત થઈને ખજુરી પ્રાથમિક શાળા જેવી શાળાઓનો સંપર્ક કરી શિક્ષકોની મહેનત અને કાર્યની જાતે વિગતો મેળવીને બાળકોને સરકારી શાળાઓ તરફ વાળીને મોંઘાદાટ ખર્ચાથી  બચવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.