Western Times News

Gujarati News

અમરેલી પોલીસ વડાએ પીએસઆઈને ચાર દિવસમાં ત્રણ વાર સસ્પેન્ડ કર્યાં

પ્રતિકાત્મક

અમરેલી, અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશના પીએસઆઇને ચાર દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં સોપ પડી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિર્લિપ્ત રાયે અમરેલી તાલુકામાં થઈ રહેલી બેફામ રેતી ચોરીને કારણે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને બદલી નાંખ્યો હતો અને પીએસઆઇ પી.બી.લક્કડને બરતરફ કરી દીધા હતા.

ત્યારે સોમવારે જિલ્લા પોલીસ વડાએ વધુ બે અલગ-અલગ કેસમાં પીએસઆઈ લક્કડને સસ્પેન્શન ઓર્ડર પકડાવી દેતા ખળભળાટ મચી ગયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અમરેલી તાલુકામા વધેલા બેફામ રેતી ચોરીના કારણે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સોમવારે એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ જાડેજાને પણ અમરેલી જિલ્લા હેડ કવાર્ટરમા મુકી દીધા હતા. પોલીસ સૂત્રોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એસઓજીમાથી ૭૦ ટકા સ્ટાફની બદલી કરાયા બાદ હવે પોલીસ વડા દ્વારા એલસીબીમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે અને પોલીસ દ્વારા હપ્તા લઈને આંખ આડા કાન કરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા જિંલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરતા પીએસઆઈની સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ તેમની સામે અન્ય બે મામલામા પણ તપાસ ચાલી રહી હતી. આ વિસ્તારમા દારૂની હેરફેરના એક મામલામા પણ આજે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર આપી દેવાયો હતો.

એટલુ જ નહી એક આરોપી સામે અટકાયતી પગલા લેવામા કસુર કરવા સબબ તેમને ત્રીજી વખત પણ સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ તંત્રમાં મલ્ટિપલ સસ્પેન્શનની ઘટના ભાગ્યે જ બનતી હોય પરંતુ અમરેલીના પીએસઆઈને ૪ દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ કરી દેવાતા અભૂતપૂર્વ ઘટના ચર્ચાનો વિષય બની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.