Western Times News

Gujarati News

મનમાં અને જીવનમાં વમળ પણ આમ જ સર્જાય છે

(વિજેતા કૃતિ નં. 3)  રવિવારના દિવસની હું સોમવારથી જ રાહ જોતો. રવિવાર એટલે રજાનો દિવસ એટલે નહીં પણ તે દિવસે અમારી સોસાયટીમાં રહેતાં વિજ્ઞાન શિક્ષક અમને એક પ્રયોગ બતાવતાં-કરાવતાં.

તેમની વિજ્ઞાન પ્રત્યેની રૂચિને કારણે તેમનું નામ ભરતથી બદલાઈને ભાસ્કર ક્યારે થઈ ગયું ખબર જ ન પડી. દિલથી શીખવતાં ભાસ્કરસાહેબ વિદ્યાર્થીઓના મનમાં ચાલતી ગડમથલને પણ જાણી તેનો ઉકેલ લાવવા મથ્યા રહેતાં. તે દિવસ મને બરાબર યાદ છે. અમે સોસાયટીના તમામ બાળકો ભાસ્કરસાહેબના વાડામાં ભેગાં થઇ ગયાં હતાં. આજે કયો નવો પ્રયોગ જોવા મળશે તેના મો આતુર હતાં. ત્યાં જ ભાસ્કરસાહેબે થોડા સાધનો સાથે પ્રવેશ કર્યો,”આજે આપણે પાણીમાં વમળ કેમ બને છે જાણીશું અને જોઇશું પણ. મને પાણીથી ભરેલી ડોલ લાવવા કહી. મોહનને શીશી લાવવા કહી.

હું ડોલ લેવા મારા ઘરનાં બાથરૂમમાં ગયો, ત્યારે ત્યાં તેઓ કપડાં ધોતા હતાં. મને કોઈ વાત કરવાનું મન ન થયું ને હું પાછો ફરવા જતો હતો ત્યાં તેમણે મને પૂછ્યું,શું જોઈએ છે? મેં પાણી ભરેલી ડોલ તરફ આંગળી ચીંધી. તેમણે મારી સામે ડોલ મૂકી કહ્યું,નહીં ઉંચકાય. બહુ ભારે છે. ક્યાં લઈ જવી છે. હું મૂકી દઉ.

પાણી ભરેલી ડોલ તેમની પાસેથી લગભગ ઝૂંટવી હું ત્યાંથી ભાગ્યો. થોડું પાણી ઢોળાયું પણ ખરું. હું અને મોહન ભાસ્કર સાહેબ પાસે પહોંચી ગયાં. સાહેબે આખી શીશી પાણીથી ભરી દીધી. શીશીનું મુખ આંગળીથી દાબી ઉંધી કરી . બધાને નજીક બોલાવ્યાં.

સાહેબે ધીમેથી અંગૂઠો હટાવ્યો, ધ્યાનથી ફેરફાર જુઓ. સાહેબ શીશીમાં વમળ દેખાય છે. બધા ખૂશ થતાં બોલી ઉઠ્યાં. હવે મને કોણ કહેશે કે વમળ કેમ રચાય છે! એકદમ સન્નાટામાં મારા માથે સાહેબના હાથનો સ્પર્શ થયો.તું તો કહી શકીશ. મને વિશ્વાસ છે.

શીશી આખી પાણીથી ભરેલી હતી. ઉંધી કરતાં પાણી ખાલી થતું ગયું. જે જગ્યાએ પાણી ખાલી થયું તે ખાલી પડેલી જગ્યા લેવા પાણી જોરથી ધસવા માંડ્‌યું. એલે વચ્ચે વમળ સર્જાયું, હું એકી શ્વાસે બોલી ગયો. કારણકે ગઈકાલે જ મેં છાપામાં નદીમાં વમળ સર્જાતાં હોડી ર્ઉંધી થઈ તેના સમાચાર વાંચ્યા હતાં. આડેધડ રેતી ખનનથી નદીમાં ખાડા પડી ગયાનું કારણ બતાવવામાં આવ્યું હતું.

શાબાશ બેટા, રોજ છાપું વાંચવાથી નવું જાણવા મળે જ. સાહેબે મને લગભગ બાથમાં લઇ લીધો. મારા બધા મિત્રો ઘરે જવા નીકળી ગયાં. મને આમે ક્યાં ઘરે જવાની ઉતાવળ હતી! હું જાણી જોઈને વાડામાં આડુઅવળું જોતો બેસી રહ્યો.
સાહેબ મારી નજીક આવી વાંસે હાથ ફેરવતાં બોલ્યાં, મનમાં અને જીવનમાં વમળ પણ આમ જ સર્જાય છે”. હું ચોંક્યો. સાહેબ શું કહે છે સમજ ન પડી.

તારી મમ્મીના મૃત્યુ પછી બધાની ઘણી સમજાવટથી તારા ભવિષ્ય માટે તારા પપ્પાએ બીજા લગ્ન કર્યા છે. તારી વ્હાલી મમ્મીની ખાલી પડેલી જગ્યા જેમ બને તેમ જલ્દી પૂરાય તે માટે તેઓ ખૂબ મહેનત કરે છે. તને બહુ પ્રેમ કરે છે. તારી કાળજી રાખે છે. તું એમને સમજ. મનનાં ખોટા વિચારોના વમળોમાં ફસાવવાની જગ્યાએ તેમના પ્રેમનો સ્વીકાર કર સાહેબના પ્રેમસભર શબ્દો મને સમજાયા. મેં કોઈ મોટી ભૂલ કરી દીધી હોય એવો અહેસાસ થવા લાગ્યો. બસ મે સીધી ઘર તરફ દોટ મૂકી.

મમ્મી મને ભૂખ લાગી છે . આટલું સાંભળી તેમની એવી ભૂખ ભાંગી કે મને ભીને આંસુથી નવડાવી દીધો.
સમજ્યાં હું કોની વાત કરું છું? મારી યશોદા માની. જેણે મને જન્મ નથી આપ્યો પણ તે આખો જન્મારો મારા માટે જ જીવી. અને મરી પણ મારા ખોળે જ!!

હવે એ ન પૂછશો હું કોણ.!! ભલું થજો ભાસ્કર સાહેબ અને તેમનાં પ્રયોગોનું. એક નમાયા છોકરાને તેની મા અપાવી.!
વંદના વાણી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.