Western Times News

Gujarati News

આતંકી હાફીઝ સઈદના ૪ નજીકના લોકોની ધરપકડ કરતી ઇમરાન સરકાર

ઈસ્લામાબાદ,આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. ત્યારે પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આથી ઈમરાન ખાન સરકારે આતંકી હાફિઝ સઈદના ચાર નજીકના લોકોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે.

પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના પ્રવક્તાએ કહ્યું કે, જમાત-ઉદ-દાવા અને લશકર સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ આ કાર્યવાહી નેશનલ એક્શન પ્લાન (એનએપી) અંતર્ગત જરૂરી હતા. પંજાબ પ્રાંતના સીટીડીએ ચારેય પર ટેરર ફંડિંગનો આરોપ લગાવ્યો છે. સીટીડીના જણાવ્યા પ્રમાણે જમાત અને લશકરના મુખિયા હાફિઝ સઈદ પહેલાંથી જ ટેરર ફંડિંગ મામલે જેલમાં બંધ છે. હવે તેની સાથે જોડાયેલી લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એફએટીએફ સાથે જોડાયેલા એશિયા પેસિફિક ગ્રૂપ (એપીજી)એ સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાને યુએનએસસીઆર ૧૨૬૭ના નિયમોને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. તેઓ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સહિત અન્ય આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. આમ, આગામી સપ્તાહે પેરિસમાં થનારી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ચમાંથી કાઢીને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠક ૧૨થી ૧૫ ઓક્ટોબરની વચ્ચે થવાની છે.

એપીજીએ ૨૨૮ પેજના રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં ૪૦માંથી ૩૨ પેરામિટર નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાનને આઈએસઆઈ, અલકાયદા, જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકી સંગઠનો વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ મામલેની ઓળક કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ એવું ન થયું. બ્લેક લિસ્ટ થતા આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ, વિશ્વ બેન્ક અને યુરોપીય સંઘ પાકિસ્તાનની નાણાકીય શાખનું ગ્રેડિંગ વધારે ઘટાડે તેવી શક્યતા છે. આ સંજોગોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એફએટીએફએ પાકિસ્તાનને સતત ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. આ કેટેગરીના દેશને ધિરાણ આપવામાં જોખમ માનવામાં આવે છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ધિરાણકરતાં દેશોએ પાકિસ્તાનની આર્થિક મદદમાં ઘટાડો કર્યો છે. તેના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે નબળી થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.