Western Times News

Gujarati News

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ ડૉક્ટર બને તે દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે: ધર્મેન્દ્ર પ્રધાન

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ૧૭૦૦થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની શરૂઆતમાં જ ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું હતું.

આ તમામને ઓપરેશન ગંગા હેઠળ વિમાનો દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. તેમાંથી મોટી સંખ્યામાં તે વિદ્યાર્થીઓ છે, જેઓ યુક્રેનમાં રહીને મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ યુદ્ધને કારણે તેમણે અભ્યાસ છોડીને ભારત આવવું પડ્યું. હવે તેમના આગળના અભ્યાસ અંગે શંકા છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર આ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને તેઓ ડોક્ટર બની શકે છે. બજેટ સત્ર દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને ખાતરી આપી હતી કે સરકાર આવા વિદ્યાર્થીઓને લઈને તમામ વ્યવસ્થાઓ પર વિચાર કરી રહી છે.

તેઓ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેઓ જાણવા માંગતા હતા કે શું ભારતીય વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પૂર્ણ કરવામાં મદદ કરવા માટે યુક્રેનની સરહદે આવેલા દેશોની યુનિવર્સિટીઓ સાથે કોઈ વાતચીત ચાલી રહી છે કે કેમ.

જણાવી દઈએ કે યુક્રેન વિરુદ્ધ રશિયાના સૈન્ય અભિયાનના બે દિવસ બાદ શરૂ કરાયેલા ઓપરેશન ગંગા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. ૨૪ ફેબ્રુઆરીએ રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ એક પડકારજનક સ્થળાંતર કામગીરી હાથ ધરવામાં આવી.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યુક્રેનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત રાજદ્વારી પ્રયાસો દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ સ્થાપવાની હિમાયત કરે. બિરલાએ એમ પણ કહ્યું હતું કે વિકાસ માત્ર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વિશ્વમાં જ શક્ય છે અને આ દિશામાં બધાએ સાથે મળીને કામ કરવું જાેઈએ.

ભારતે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે બંને દેશો વચ્ચે સીધો સંપર્ક અને વાતચીત કરવાની હાકલ કરી હતી. ભારતે આ દરમિયાન કહ્યું કે તે આ બંને દેશો સાથે સંપર્કમાં છે અને રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.