Western Times News

Gujarati News

રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં જામીન, માનહાનિ કેસની વધુ સુનાવણી ૭ ડિસેમ્બરે

અમદાવાદ,બદનક્ષી અને એડીસી બેંક માનહાનિ કેસમાં હાજરી આપવા માટે આજે રાહુલ ગાંધી અમદવાદ આવી પહોંચ્યા હતા. માનહાનિ અને બદનક્ષી કેસમાં થોડા અંશે રાહુલ ગાંધીને થોડી રાહત મળી છે. બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા છે, તો એડીસી માનહાનિ કેસમાં વધુ સુનાવણી ૭ ડિસેમ્બરે કરવામાં આવશે.બદનક્ષી કેસ મામલે મેટ્રો કોર્ટમાં ૧૩ નંબરની કોર્ટમાં રાહુલ ગાંધી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને ૧૦ હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા.

દરમિયાન નોટબંધી બાદ રાહુલ ગાંધીએ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાની જૂની નોટો બદલાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એડીસી બેન્ક દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદની મેટ્રો કોર્ટે કોર્ટમાં આજે હાજર રહેવાનું સમન્સ ફટકારવામાં આવ્યું હતું.રાહુલ ગાંધીએ નોટબંધી સમયે આરોપ લગાવ્યો હતો કે, એડીસી બેન્કના પૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના વ્યક્તિ છે. આ ઉપરાંત તેઓએ નોટબંધીની આડમાં બ્લેકમનીને સફેદ કરવામાં આવે છે આ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ એડીસી બેન્ક માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની આ કેસમાં ૭ ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મેટ્રો કેસમાં કોર્ટ નંબર ૧૩ અને કોર્ટ નંબર ૧૬માં અલગ અલગ કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટ નંબર ૧૬માં અમિત શાહ વિરુદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાનો મામલો હતો. આ કેસમાં કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ફરિયાદી હતા. તો કોર્ટ નંબર ૧૩માં એડીસી બેંકનો માનહાનિ કેસ ચાલ્યો હતો. સૌથી પહેલા અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં ૧૩ નંબરની કોર્ટમાં સુનાવણી ચાલી હતી. જેમાં કોર્ટમાં જજ દ્વારા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમને ગુનો કબૂલ છે કે નહિ. ત્યારે રાહુલ ગાંધીએ ના પાડી હતી. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા, જેમાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. હવે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનવણી ૭ ડિસેમ્બરે હાથ ધરાશે.

કોર્ટે આ કેસમાં તારીખ બદલીને સુનવણી ૭ ડિસેમ્બરે હાથ ધરાશે તેવુ જણાવ્યું હતું.રાહુલ ગાંધી સામે અન્ય એડીસી બેંકના માનહાનિ કેસમાં ૧૩ નંબરની કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી. ૧૩ નંબરની કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ ૧૬ નંબરની કોર્ટમાં એડીસી કેસ મામલે પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે તેમને આ કેસમાં ૧૦ હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા.આ મામલે હાજર ન રહેવાની અરજી પર વધુ સુનવણી ૭ ડિસેમ્બરે હાથ ધરાશે.

આ પહેલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતાં. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરપોર્ટ થી કોર્ટ સુધીનો માર્ગ રાહુલ ગાંધીના પોસ્ટરથી શણગારવામાં આવ્યો હતો તો બીજી તરફ, ઠેર ઠેર કોંગ્રેસના ધ્વજ અને બેનર લગાવવામાં આવ્યા હતાં. સત્યમેવ જયતે, લેટ્‌સ ટ્રુથ પ્રીવીલ, તિરંગા હી મેરા ધર્મના સૂત્રો સાથેના બેનર લગાવવામાં આવ્યા હતાં.આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.