Western Times News

Gujarati News

વડાપ્રધાને ભારતીય સંસ્કૃતિ સમાન યોગને વૈશ્વિક ઓળખ અપાવી: રમતગમત મંત્રી

ગાંધીનગર, રાજ્યના રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં સારા સ્વાસ્થ્ય માટે યોગને મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે ત્યારે, સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા યોગ મહત્વનું માધ્યમ પૂરવાર થઈ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘યોગ’ને વૈશ્વિક ઓળખ અપાવી છે.

વિધાનસભા ખાતે રાજ્યમાં વિશ્વ યોગ દિનની ઉજવણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સભામાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિન ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો અને સર્વ સંમતિથી યુનો દ્વારા તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો ર્નિણય કર્યો અને વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે.

મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે રાજ્યમાં યોગનું મહત્વ વધે અને નાગરિકોમાં જાગૃતિ આવે એ માટે દેશભરમાં માત્ર ગુજરાતે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ની સ્થાપના કરીને યોગનો પ્રચાર-પ્રસાર કરી રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં રાજ્ય સરકારે ‘યોગ’ને એક રમત તરીકે પણ જાહેર કરી છે. જેના પરિણામે લોકો એમાં વ્યાપક સહયોગ આપી રહ્યા છે.

ચાલુ વર્ષના ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૭૮,૨૮૨ નાગરિકોએ યોગાસન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે છેલ્લાં બે વર્ષમાં રૂ. ૪૫.૮૧ લાખનો ખર્ચ કરાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ યોગ સ્વાસ્થ્ય માટે મહત્વનું પરિબળ પૂરવાર થયું છે ત્યારે પણ બે વર્ષ દરમિયાન ૧,૧૫,૦૦૦ લોકોએ ઓનલાઇન ભાગ લીધો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.