Western Times News

Gujarati News

ભારતીય નૌસેનાના વાલસુરા મથકની 80મી વર્ષગાંઠની ઉજવણીમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત

જામનગરમાં રાષ્ટ્રપતિનું આગમન : નૌકાદળ વડામથક ખાતે ખાસ સમારોહમાં રાજ્યપાલ સાથે ઉપસ્થિતિ

લશ્કરની ત્રણેય પાંખના સર્વોચ્ચ કમાન્ડરને ગાર્ડ ઓફ ઓનર અપાયું

જામનગર,  ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય શસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ આજે સવારે વાયુસેનાના ખાસ વિમાનમાં ગાંધીનગરથી જામનગર આવી પહોંચ્યા હતાં. જામનગર સ્થિત ભારતીય નૌ-સેનાના વાલસુરા મથક ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહેવા તેઓ ખાસ જામનગર આવ્યા છે. President Ram Nath Kovind presented President’s Colour to INS Valsura at Jamnagar Gujarat.

જામનગર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલનું જામનગરના સાંસદ, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય ઉપરાંત ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

જામનગરમાં ભારતીય નૌ-સેનાનું આઇએનએસ વાલસુરા મથક તેની સ્થાપનાના 80 માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઠ દાયકાથી દેશની સેવા કરતા વાલસુરા મથકને આજે પ્રેસીડેન્શ્યિલ કલર્સ એવોર્ડથી નવાજવા માટેના યાજાયેલા ખાસ સમારોહમાં દેશની ત્રણેય લશ્કરી પાંખના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતે આ એવોર્ડ અર્પણ કરવા ખાસ જામનગર આવી પહોંચ્યા હતાં.

ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં તેઓ આજે સવારે 9:00 વાગ્યે તેમના નિર્ધારીત સમયે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં. અહિં રાષ્ટ્રપતિ તથા ગાંધીનગરથી તેમની સાથે જોડાયેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ,

જામનગરના મેયર બિનાબેન કોઠારી તથા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આઇએનએસ વાલસુરાના અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટથી 9:20 કલાકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો કાફલો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાલસુરા જવા રવાના થયો હતો. આ કાફલામાં કલેક્ટર, કમિશનર, ડીડીઓ, એસડીએમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યાં હતાં. તેમજ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમ, આરોગ્યની ટીમ વિગેરે તંત્ર પણ પ્રોટોકોલ મુજબ જોડાયું હતું.

આ કાફલો એરપોર્ટથી સમર્પણ સર્કલ થઇ ઢીંચડા રીંગરોડ ઉપરથી પસાર થઇ 9:35 કલાકે વાલસુરા મથકે પહોંચ્યો હતો. વાલસુરા મથક તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે. આ મહાન સિધ્ધિ બદલ વાલસુરા મથકને પ્રેસિડેન્શિયલ કલર એવોર્ડ એનાયત કરવાનો સમારોહ સવારે 10:00 વાગ્યે નિર્ધારિત સમયે શરૂ થયો હતો.

આ એવોર્ડ આપવા માટે ખાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે જેઓ ભારતીય સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ કમાન્ડર ગણાય છે. તે ખૂદ હાજર રહ્યાં હતાં અને તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા હતાં.

વાલસુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નૌ-સૈનિકોએ ખાસ પરેડ યોજી સલામી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું હતું. તેઓએ ખુલ્લી જીપમાં પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,

જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા વિગેરે આગેવાનોએ અને સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ પણ પરેડની સલામી આપી હતી. પરેડ બાદ રાષ્ટ્રપતિએ આઇએનએસ વાલસુરાને ગૌરવરૂપ એવો પ્રેસિડેન્શિયલ કલર એવોર્ડ એનાયત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.