Western Times News

Gujarati News

પગાર ચૂકવવામાં રેસ્ટોરાંના માલિકે પાડોશીનું કર્યું અપહરણ

અમદાવાદ, નાણાકીય કટોકટી અને સ્ટાફને પગાર ચૂકવવામાં અસમર્થ, કલોલના એક રેસ્ટોરન્ટના માલિકે ખંડણીની રકમથી તેનું દેવું ચૂકવાઈ જશે તેવી આશા સાથે કથિત રીતે તેની પાડોશીનું અપહરણ કર્યું હતું. જાે કે, પીડિતાના પતિએ પોલીસનો સંપર્ક કરતા તેની યોજના નિષ્ફળ ગઈ હતી.

ગાંધીનગર પોલીસના લોકલ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે રેસ્ટોરન્ટના માલિક મિતુલ પટેલની (ઉંમર ૩૫) કલોલમાંથી ધરપકડ કરી હતી જ્યારે બાકીના સાત ધરપકડથી દૂર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મિતુલ પટેલે ૩૦ માર્ચના (બુધવાર) રોજ તેના ચાર કર્મચારીઓ, જેઓ પગારમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા અને અન્ય ત્રણ સાથે મળીને અપહરણની યોજના બનાવી હતી અને તેને અંજામ આપ્યો હતો.

૫૬ વર્ષીય અલ્કા રસ્તોગી તપોવન સર્કલ પાસે આવેલી એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેઓ બુધવારે બપોરે સરસ્વતી સોસાયટી સ્થિત ઘરે એકલા હતા ત્યારે એક ૨૫ વર્ષીય યુવક, જેની ઓળખ બાદમાં સૌરભ કુમાર તરીકે આપી હતી, તેણે તેમનો દરવાજાે ખખડાવ્યો હતો. જ્યારે તેણે તેમને સોલર પેનલ ચેક કરવા આવ્યો હોવાનું કહ્યું ત્યારે તેમણે તેને અંદર જવા દીધો હતો.

જે બાદ ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના અન્ય સાત લોકો તેની પાછળ આવ્યા હતા અને શિક્ષિકાનું અપહરણ કર્યું હતું. તેમણે શિક્ષિકાના હાથ અને પગ બાંધી દીધા હતા તેમજ બળજબરીથી વાહનમાં બેસાડતા પહેલા મોં પણ ઢાંકી દીધું હતું. તેમણે કલોલની આસપાસ વાહન ચલાવ્યું હતું અને મહિલાના પતિ પ્રદીપ રસ્તોગી, જેઓ છત્રાલમાં દોરા બનાવવાની ફેક્ટરી ચલાવે છે તેમનો સંપર્ક કર્યો હતો.

જાે કે, એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે તેમનો ફોન લાગ્યો નહોતો. જ્યારે પ્રદીપ રસ્તોગી ઘરે આવ્યા અને પત્ની અલ્કાને ક્યાંય ન જાેયા ત્યારે કલોલ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. રસ્તોગીના ઘરે પોલીસ તપાસ કરવા આવી હોવાની જ્યારે મિતુલ પટેલને જાણ થઈ ત્યારે તે ડરી ગયો હતો.

૩૧ માર્ચે, સવારે આશરે ૪.૩૦ કલાકે આરોપીએ અલ્કાને એકાંત સ્થળે છોડી દીધા હતા. એક દુકાનદારની મદદથી તેમણે પતિનો સંપર્ક કર્યો હતો.

કપલે બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન, અપહરણમાં જે વાહનનો ઉપયોગ થયો તે મિતુલ પટેલનું હોવાની પોલીસને જાણ થઈ હતી. જે અંબિકા-કલોલ હાઈવે પર તિરુપતિ રેસ્ટોરન્ટ ચલાવે છે.

પૂછપરછ દરમિયાન પટેલે ગુનો કબૂલ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેના વેઈટર નિલેશ, દેવેન્દ્ર, બલ્લુ અને સૌરભની મદદથી ગુનાને અંજામ આપ્યો હતો. ઠાકુર અને અન્ય કેટલાક ૨૩ માર્ચે મિતુલ પટેલને મળ્યા હતા અને પગારમાં વધારો કરવાની માગ કરી હતી.

પરંતુ પટેલે તેમને તે ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોવાનું અને તેમાથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અપહરણનો વિચાર નિલેશનો હતો. પતિ ફેક્ટરીમાં વ્યસ્ત રહેતા હોવાથી અલ્કા આખો દિવસ તેમના ઘરે એકલા હોય છે.

તેથી, અલ્કા તેમનો સરળ ટાર્ગેટ બન્યા હતા’, તેમ એક અધિકારીએ કહ્યું હતું. ૩૦ માર્ચે યોજનાને અંજામ આપવા માટે તેમણે વધુ ત્રણ લોકોને બોલાવ્યા હતા. જાે કે, તેઓ ખંડણી માટે અલ્કાના પતિનો સંપર્ક કરે તે પહેલા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તેથી તેમણે તેમને જવા દીધા હતા અને પોતે ભાગી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.