Western Times News

Gujarati News

૩ મહિના સુધી ફિલ્મોથી દૂર રહેશે સાઉથ ઈન્ડિયન અભિનેતા પ્રભાસ?

મુંબઈ, જાણીતો સાઉથ ઈન્ડિયન એક્ટર પ્રભાસ આજકાલ પોતાની ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની ફિલ્મ ‘રાધેશ્યામ’ રિલીઝ થઈ હતી પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં. હવે પ્રભાસ તેની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

ત્યારે હવે એવા સમાચાર જાણવા મળી રહ્યા છે કે પ્રભાસ થોડા મહિનાઓ માટે ફિલ્મોમાંથી બ્રેક લેવા જઈ રહ્યો છે કારણકે તેના ઘૂંટણની સર્જરી કરવાની છે. પોતાની સર્જરીના કારણે પ્રભાસ લાંબો સમય વિદેશમાં જ રહેશે અને હવે થોડા સમય સુધી શૂટિંગ નહીં કરે.

કારણકે મેડિકલ પ્રક્રિયાથી સાજા થવા સુધી તેને પૂરો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. હૈદરાબાદના એક સૂત્રનું કહેવું છે કે પ્રભાસ ઘૂંટણનું ઓપરેશન કરાવાનો છે. તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે ફિલ્મ ‘સાહો’ના એક્શન સીન દરમિયાન પ્રભાસના પગમાં ઈજા પહોંચી હતી.

કેટલાંક વર્ષો પહેલા તેને સર્જરીની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, અન્ય પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત પ્રભાસે ત્યારે સર્જરી કરાવાનું ટાળ્યું હતું. ત્યારબાદ કોરોનાના કારણે સર્જરીમાં મોડું થયું હતું માટે હવે તે સર્જરી માટે વિદેશ જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ‘રાધે શ્યામ’ની રીલિઝ પછી પ્રભાસ સ્પેન જતો રહ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રભાસને ઈજા થઈ હતી અને તે સારવાર માટે સ્પેન ગયો હતો.

પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ ૧૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પાંચ ભાષાઓમાં ૩૭૦૦ સ્ક્રીન પર સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ છે. પ્રભાસના ફેન્સને આ ફિલ્મ ખૂબ પસંદ આવી, પરંતુ ક્રિટિક્સની પ્રતિક્રિયા આ ફિલ્મ પર સારી નથી.

પ્રભાસ ૪૨ વર્ષનો થઈ ગયો છે અને હવે તેના માતા પણ દીકરાના હાથ પીળા કરવા માગે છે. તેણે જણાવ્યું હતું કે, લગ્નને લઈને ઘણીવાર વાત થતી રહે છે, જે સામાન્ય છે કારણ કે દરેક મા તેનું બાળક ઠરીઠામ થઈ જાય તેમ ઈચ્છે છે.

પ્રભાસે કહ્યું હતું કે, ‘ઘણીવાર મારા માતા મને સેટલ થવા વિશે પૂછે છે. ફિલ્મ ‘બાહુબલી’ દરમિયાન મેં તેમને પહેલા આ ફિલ્મ કરી દેવા અને બાદમાં ઠરીઠામ થવા વિશે વિચારીશ તેમ કહ્યું હતું. પરંતુ હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી. તેથી હું તેમને કહેતો રહું છું કે, તમે સ્ટ્રેસ ન લો, લગ્ન થઈ જશે. હું પણ લગ્ન કરવા અને સેટલ થવા માગુ છું, પરંતુ આમ ત્યારે જ થશે જ્યારે યોગ્ય સમય આવશે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.