Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન

કાગવડ, રાજકોટઃ હાલ ઠેર ઠેર ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. મા જગદંબાની આરાધાના થકી ભક્તો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ચૈત્રી નવરાત્રિમાં ભક્તો દ્વારા વિવિધ પ્રકારે માતાજીનું પૂજન-અર્ચન કરી આરાધના કરવામાં આવી રહી છે.

ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી વિવિધ મહિલા સમિતિઓ દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવીને મા ખોડલની ભક્તિ કરવામાં આવી રહી છે.

શ્રી ખોડલધામ મંદિરે ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ મહિલા સમિતિઓ દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રિના પાંચમાં નોરતે ૬ એપ્રિલના રોજ શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સત્યનારાયણ ભગવાનની કથામાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું. બાદમાં સૌ મહિલાઓને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ સાથે જ શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલની બહેનો દ્વારા ગરબા અને મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા.

ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પણ મા ખોડલના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે ભાવિકોને કોઈ અવ્યવસ્થા ન પડે તે માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.