Western Times News

Gujarati News

ઈજિપ્તે ભારતમાંથી ઘઉંના આયાતને મંજૂરી આપી : પિયૂષ ગોયલ

નવી દિલ્હી, વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકારો પૈકીના એક ઈજિપ્ત અગાઉ ઘઉં માટે યુક્રેન અને રશિયા પર નિર્ભર હતું પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે 50 દિવસથી યુદ્વ ચાલી રહ્યું છે,  જેના કારણે હવે ભારતના ઘઉંની ઈજિપ્તમાં જરૂર પડી છે. ઇજિપ્તની સરકાર ભારત અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાંથી વૈકલ્પિક સપ્લાય પર પણ વિચારણા કરી રહી છે. ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને 2020માં વિશ્વના ઘઉંના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો લગભગ 14.14 ટકા હતો. ભારત વાર્ષિક આશરે 107.59 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન કરે છે અને મોટાભાગનો વપરાશ સ્થાનિક સ્તરે થાય છે.

પિયૂષ ગોયલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે,”ભારતીય ખેડૂતો વિશ્વને હવે ખવડાવી રહ્યા છે. ઈજિપ્તે ઘઉંના સપ્લાયર તરીકે ભારતને મંજૂરી આપી દીધી છે. ટકાઉ ખાદ્ય પુરવઠાના વિશ્વાસનીય વૈકલ્પિક સ્ત્રોતની શોધમાં વિશ્વ સાથે, મોદી સરકાર આગળ આવી છે. અમારા ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે અને અમે વિશ્વની સેવા કરવા તૈયાર છીએ.

ભારતની ઘઉંની નિકાસ એપ્રિલ 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે વધીને 1.74 અબજ ડોલર થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 34.017 કરોડ ડોલર હતું. ઘઉંની નિકાસ 2019-20માં 6184 કરોડ ડોલર હતી, જે 2020-21માં વધીને 549.67 કરોડ ડોલર થઈ છે.

ભારત મુખ્યત્વે પડોશી દેશોમાં ઘઉંની નિકાસ કરે છે, જેમાંથી 54% બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. ભારતે યમન, અફઘાનિસ્તાન, કતાર અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ઘઉંના નવા બજારમાં પણ પ્રવેશ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.