Western Times News

Gujarati News

રોગચાળાનો કહેરઃ ૪પ દિવસમાં રૂ.પાંચ કરોડના ખર્ચનું પરિણામઃ ૧પ૦૦ કેસ

વાલિયેન્ટર્સની ભરતી માત્ર દંડ વસુલવા માટે કરવામાં આવી રહી હોય એવો માહોલ : મેલેરીયા અધિકારી અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણાના પરિણામે રોગચાળો વકરી રહ્યો હોવાની ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચતીના પગલા રૂપે કરવામાં આવતી તમામ કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના ૧પ૦૦ કરતા વધારે કેસ નંધાયા છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટે અનેક પ્રકારના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશ્નર પણ કાયદાની છટકબારી કે આપવામાં આવેલ સતાનો દુરૂપયોગ કરીને સર્વેના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ છતાં પરિણામ શૂન્ય છે. સ્માર્ટસીટી હાલ પૂરતુ તો રોગચાળાગ્રસ્ત સીટી બની રહ્યુ છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ર૦ કરતા વધુ નાગરીકોના ભોગ લીધા છે. તેમ છતાં શાસકો અને વહીવટી તંત્ર નિષ્ક્રીય હોય એવું ચિત્ર ઉપસી રહ્યુ છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમ્યાન આરોગ્યલક્ષી કામગીરીમાં રહી ગયેલી ઉણપના કારણે રોગચાળો બેકાબુ બની ગયો છે. વરસાદી પાણીનો નિકાલ થયા બાદ દવા છંટકાવ તથા ફોગીંગ પુરતા પ્રમાણમાં થયા નથી. ડોર ટુ ડોર સર્વેના નામે પણ ઘણા સમયથી માત્ર સીલીંગ અને રીકવરી ઝૂંબેશ ચાલી રહી છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ યથાવત જાવા મળ્યો છે.

મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા દર વરસાની માફક ચાલુ વર્ષે પણ આઈઆર સ્પ્રે અને ફોગીંગના કોન્ટ્રાક્ટોના લાભાર્થે ટૈન્ડર જાહેર કરવામાં આવ્યા હતા અને પરંપરા મુજબ વર્ષો જૂની પાર્ટીઓ દ્વારા જ લગભગ બમણા ભાવ આપવામાં આવ્ય્‌ હતા. જેનો શાસક પાર્ટીએ અસ્વીકાર કર્યા બાદ કોન્ંટ્રાક્ટરો અને અધિકારીઓની શાન ઠેકાણે આવી હતી.

તથા આઈઆર સ્પ્રેમાં રૂ.૩પ ના બદલે રૂ.ર૧માં કામ કરવા તૈયાર થયા છે.કોન્ટ્રાક્ટરોને તેમની મરજી મુજબ ભાવ મળ્યા ન હોવાથી કામમાં
પણ લાલિયાવાડી ચાલી રહી હોવાના આક્ષેપો થયા હતા. પરંતુ ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હોવાથી તેમની સામે કાર્યવાહી થતી નથી. જ્યારે મ્યુનિસિપલ કમિશ્નરે પણ શાસક પાર્ટીની ઉપરવટ જઈને દૈનિક રૂ.પ૦૦ના મહેનતાણાથી એક હજાર વોલિયન્ટર્સની હંગામી ધોરણે ભરતી કરી છે. જેમાં પણ કૌભાંડ હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યનુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા કમિશનરે રૂ.૧પ લાખ સુધીની નાણાંકીય સત્તા આપવામાં આવી છે. કમિશ્નરે ભરતી કરેલ વોલિયન્ટર્સના બે મહિનામાં રૂ.ત્રણ કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં આવશે. જેના માટે કોઈ જ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. તથા શાસકોની મંજુરી લેવાની પણ દરકાર રાખવામાં આવી નથી.

મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય સત્તા કરતા વધુ રકમના કામ બારોબાર કર્યા હોવાથી વોલિયન્ટર્સને દર સપ્તાહે રૂ.૧પ લાખની મર્યાદામાં પેમેન્ટની ચુકવણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ શાસકો દ્વારા આપવામાં આવેલ સતાનું શ† પણ શાસકો સામે જ ઉગામવામાં આવ્યુ છે.

મ્યુનિસિપલ કમિશ્નરે ડોર ટુ ડોર સર્વે માટે જે વોલિયન્ટર્સની ભરતી કરી છે તેમને કોઈ જ તાલીમ આપવામાં આવી નથી. તેથી બ્રિડીંગનો નાશ કરવાના બદલે તેમને માત્ર દંડ વસુલીના જ કામ સોંપવામાં આવી રહ્યા છે.

મેલેરીયા ખાતાના ઉચ્ચ અધિકારીને પણ રોગચાળા નિયંત્રણ કરવામાં ઓછો રસ અને પ્રજા પાસેથી દંડ લેવામાં વધુ રસ હોય એવો માહોલ જાવા મળી રહ્યો છે. મેલેરીયા ખાતા દ્વારા ડોર ટુ ડોર સર્વેમાં રોજ રૂ.ત્રણ થી ચાર લાખનો દંડ વસુલ કરવામાં આવે છે તે જાતા મચ્છરોના બ્રિડીંગ રોકવાના બદલે રીકવરી માટે જ વોલિયન્ટર્સે રાખવામાં આવ્યા હોય એમ લાગી રહ્યુ છે.

મ્યુનિસિપલ કમિશ્નર અને આરોગ્ય અધિકારીની રહેમનજરે આઈઆર સ્પ્રે, ફોગીંગ તથા સર્વેના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. જેની પાછળ દર મહિને રૂ.ત્રણ કરોડનો ધુમાડો થઈ રહ્યો છે. પરંતુ મચ્છરો ઓછા થતાં નથી. સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના ૧૦૧પ કેસ નોધાયા હતા.

જ્યારે ઓક્ટોબરમાં પણ પ૦૦ કરતા વધુ કેસ બહાર આવ્યા છે. ખાનગી હોસ્પીટલોના આંકડા છુપાવવામાં આવી રહ્યા છ.ે
શહેરમાં ડેન્ગ્યુ અને મલેરીયાનો રોગચાળો કાબુ બહાર છે. મેલેરીયા ખાતાના અધિકારીઓ તથા કમિશ્નરના વોલિયન્ટર્સથી મચ્છરોની ઉત્પત્તિ અને રોગચાળા પર નિયંત્રણ આવ્યુ નથી. તેથી ચાલુ વરસે બીજી વખત ‘પ્રજાના સેવકો’ ઘરે ઘરે  ફોગીંગ કરશે. જ્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આરામ ફરમાવશે એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે શહેરમાં રોગચાળો નિયંત્રણ વકરી રહ્યો છે તેમ છતાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ક્રીય છે. મ્યુનિસિપલ કમિશ્નર મનસ્વીપણે નિર્ણય લઈ રહ્યા છે.

તેને સતાધારી પાર્ટી મૂક સમતિ આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર અને માત્ર અધિકારી રાજ ચાલી રહ્યુ છે. જેના માઠા પરિણામ નાગરીકો ભોગવી રહ્યા છે. ડોર ટુ ડોર સર્વેનું કામ છેલ્લા દોઢે મહિનાથી ચાલી રહ્યુ છે. પરંતુ પરિણામ શૂન્ય છે.

કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ તથા ૧ર૦ જેટલા ફોગીંગ મશીન હોવા છતાં ફોગીંગના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોના લાભાર્થે માત્ર ચાર કલાકના રૂ.પ૦૦ ચુકવાય છે તે તપાસનો વિષય છે. જે એક હજાર વોલિયન્ટર્સની ભરતી કરવામાં આવી હતી તેમના નામ સરનામા તથા ઓળખ પત્ર સહિતના રજીસ્ટર્ડની ચકાસણી કરવામાં આવે તો તથ્ય બહાર આવે એમ છે.

મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા દર વર્ષે રોગચાળા નિયંત્રણના નામે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ પરિણામ શૂન્ય રહે છે. આ મુદ્દે નક્કર આયોજન થાય તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.