Western Times News

Gujarati News

અંકલેશ્વરની સોસાયટીમાં ઘર ભાડે રાખી ચાલતો હતો બાયોડિઝલ બનાવવાનો ધંધો LCBએ ઝડપી પાડયો.

સુરતના બેની ધરપકડ : એક વોન્ટેડ તો ગેરકાયદે બાયોડિઝલ બનાવવા સંગ્રહેલુ રો-મટિરિયલ્સ સહિત ૧.૧૯ લાખનો જથ્થો જપ્ત.

(વિરલ રાણા) ભરૂચ,
અંકલેશ્વરના કાપોદ્રા ગામે નવી બંધાઈ રહેલી શિવદર્શન રેસિડેન્સીમાં નવું મકાન રાખી સુરતી લાલાઓ એ ગેરકાયદે બાયોડિઝલનો ગોરખ વેપલો શરૂ કર્યો હતો. જોકે એલસીબીએ દરોડો પાડી આ વેપલા ઉપર પાણી ફેરવી દીધું હતું. બે સુરતીઓની ધરપકડ અને એક ને વોન્ટેડ જાહેર કરી બાયોડિઝલ બનાવવા રો-મટિરિયલ્સનો રૂપિયા ૧.૧૯ લાખનો જથ્થો સીઝ કર્યો છે.

અંક્લેશ્વર તાલુકાના કાપોદરા ગામની સીમમાં આવેલી શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાંથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવા સારૂ સંગ્રહ કરી રાખેલુ રો – મટીરીયલ્સ જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી જથ્થો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧.૧૯  લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા છે.


ભરૂચ જીલ્લામા ગેરકાયદેસરના બાયોડીઝલનુ ઉત્પાદન,વેચાણ તથા હેરફેર કરતા ઈસમો તથા આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર સતત વોચ રાખી , આ બાબતે ખાનગી રાહે બાતમી કેળવી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.ભરૂચ એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન.સગરે અલગ અલગ ટીમો દ્રારા જીલ્લામા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન,વેચાણ કરતા ઈસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરેલ હતા.આ દરમ્નયા ગઈકાલ એલસીબી ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી.ત્યારે બાતમી હકીકત મળી હતી કે નેશનલ હાઈવે નંબર ૪૮ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની સીમમાં શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાં ગેરકાયદે બાયોડીઝલ ઉત્પાદન સારૂ રૉ મટીરીયલનો સંગ્રહ કરી રાખ્યો છે.

જે હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્રારા રેઈડ કરતા નવા બનતા મકાનમાં શંકાસ્પદ પ્રવાહી તથા અન્ય બાયોડીઝલ ઉત્પાદન અંગે ઉપયોગી સાધન સામગ્રી મળી આવી હતી.એફ.એસ.એલ અધિકારી તેમજ મામલતદાર અંક્લેશ્વરને સ્થળ ઉપર બોલાવી બેરલોમાં મળી આવેલા પ્રવાહી જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામા આવેલ હોવાનુ જણાઈ આવ્યું હતું.ફાયર સેફટીને લગતા કોઈ ઉપકરણો ઉપલ્બધ રાખેલ ન હોવાનુ પણ ખુલ્યું હતું.

જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી ભરેલ મળી લોખંડના ૫ બેરલ જેમાં ૧૦૦૦ લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂપિયા ૬૦ હજાર તથા સંગ્રહ કરવા સારૂ રાખેલા પ્લાસ્ટીકની મોટી ટાંકી જેમાં આશરે ૧૦  લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી તથા ૩ નાની ખાલી ટાંકી તેમજ બાયોડીઝલ બહાર કાઢવા માટે ડીઝલ ફીડીંગ પંપ વીગેરે સાધન સામગ્રી સાથે ૨ ઈસમોને ઝડપી લીધા હતા.

અંકલેશ્વર મામલતદારે જરૂરી નમુનાઓ મેળવી,શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ૧૦૧૦ લીટર તથા તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા ૧.૧૯ લાખનો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવ્યો છે.પોલીસે સ્થળ પરથી સુરતના મહેશ ઉર્ફે ઘુઘો રાજાભાઈ મેવાડા (ભરવાડ) અને લાલજી ઉર્ફે લાલો કાનાભાઈ મેવાડાની ધરપકડ કરી છે.જ્યારે સુરતના યોગેશભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.