Western Times News

Gujarati News

પ્રાર્થના એક પ્રેરકબળ-વ્યક્તિનું ડોહળાયેલું અને અશાંત મન ઘણાં અંશે શાંત કરે

અનંત ઉર્જાથી ખળભળતું આપણું શરીર ….જયારે સંપૂર્ણ એકાગ્રતાથી પરમાત્માને પોતાના મનની વાત કહે છે એને પ્રાર્થના કહે છે .એક એવી ભાષાનો સ્પર્શ જે પરમાત્માના દિવ્ય રૂપની નજીક અનુભવાય છે.

માત્ર પ્રતિદિન નિશ્ચિત સમયે દસ મિનિટ માટે પણ ઇષ્ટદેવ સ્મરણ …એને આપેલા જીવન માટે પ્રભુને કહેલ ધન્યવાદ એ સાચી પ્રાર્થના છે. જીવનમાં આવેલા દુઃખોને દૂર કરવાં માટે વ્યક્તિનો આર્તનાદ પ્રાર્થનાઓ એક ભાગ હોઈ શકે . પરમાત્માને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરાયેલું સમર્પણ …વ્યક્તિનું ડોહળાયેલું અને અશાંત મન ઘણાં અંશે શાંત કરે છે .

પરમ તત્વ પરત્વે કરવામાં આવેલી યાચનાપૂર્વકની મનની વાત અચૂક પ્રભુ સાંભળે છે ,સાથે સાથે આપણે પણ આપણા કર્તવ્યો પુરેપુરી ઈમાનદારીથી નિભાવીએ એ જરૂરી છે . સંબંધની મધુરતા જીવનમાં સકારાત્મકતા લાવે છે પણ , સૌ કોઈ નસીબદાર નથી હોતા કે જેના દુન્યવી સંબંધો બહારથી જેટલા સુંદર લાગે એટલા જ અંદરથી પણ એટલા જ સુંદર હોય .
આ આટીઘુંટીઓ માંથી ઉત્પન્ન થતા પ્રશ્નો અને અસંતોષ દૂર કરવા વ્યક્તિ કોની સામે ફરિયાદ કરે ?એટલે પ્રભુ ને મિત્ર ગણી દિલની વાતોને શબ્દસ્થ કરવાં આવે એજ છે પ્રાર્થના .

પ્રાર્થનામાં મોટાભાગે વ્યક્તિની માંગણીઓ છલકે છે . એ માંગણી દુન્યવી અથવાતો આધ્યાત્મિક પણ હોઈ શકે .વ્યક્તિના સ્વભાવનું પ્રતિબિંબ એની પ્રાર્થનામાં તાદ્રશ્ય થાય છે એ હકીકત છે .

હૃદયના ઊંડાણમાંથી ઉદ્દભવતી સહજ ભાવના પરમાત્મા આગળ સાહજીકતાથી રજૂ કરવામાં આવે એનું નામ પ્રાર્થના અંતરમાંથી નીકળેલો આર્તનાદ ….દરેક ધર્મમાં તેમના ઇષ્ટદેવ કે દેવી સમક્ષ કરાતી ભાવુકતા ભરી પોતાના દિલની રજુઆત પ્રાર્થના કે અન્ય શબ્દ તરીકે ભલે ઓળખાતી હોય ….તેનું સ્થાન ખુબ ઊંચું અને મહત્વનું છે .

ચૈતન્યતત્વ સામે વ્યક્તિનું સંપૂર્ણ સમર્પણ ….એમાં રહેલો દ્રઢ વિશ્વાસ દર્શાવે છે .ઇષ્ટદેવના માનવજાતિના અભ્યુત્થાન માટે જીવેલું યોગમય જીવનના લીધે જ તે સૌના દિલમાં સ્થાપિત છે . પ્રાર્થના એમની નજીક જવાનું પ્રેકબળ છે ,કારણકે એજ આપણું પ્રેરણાસ્તોત્ર છે .

દરેક વેદના પાછળ માનવીની હતાશા અને નિરાશા સંતાયેલી હોય છે . પોતાના આરાધ્યદેવ પાસે એને દૂર કરવા માટે કરાયેલી વિનંતી પ્રાર્થના કહેવાય છે .આપણી સમજશક્તિ પ્રમાણે હલ માંગતા હોઈએ છીએ ,પણ પરમાત્મા આપ માટે જે યોગ્ય હોય એજ કરે છે .પ્રાર્થનાની પવિત્રતા એની અસરકારકતા અવશ્ય વધારે છે એમાં બેમત નથી .

કેટલીકવાર સાચા મનથી પ્રાર્થના કરવાં છતાં ઈશ્વર પાસેથી એનો ઉત્તર નથી મળતો ત્યારે વ્યક્તિ નિરાશ થઇ જાય છે …અને ઈશ્વર પરની શ્રદ્ધા ખોઈ બેસે છે .પણ ,

માણસની બધી પ્રાર્થનાનો હેતુ એના હિતમાં જ હોય એવું કેટલીક વાર ના પણ હોય .પોતાની ટૂંકી દ્રષ્ટિના લીધે વ્યક્તિ એવું માનવા લાગે છે કે ઈશ્વર એની જાેડે અન્યાય કરી રહ્યાં છે …સાચા અર્થમાં એવું નથી હોતું .માનવીની નીતિ આવા વખતે ધ્યાનમાં લેવામાં આવે છે .

પ્રાર્થનાના રૂપ ભલે બદલાય પણ આશયતો એક જ હોય છે ,પરમ કૃપાળુ પરમાત્મા સાથે સંવાદ સ્થાપવાનો અને એને એની નજીક જવાનો હોય છે .ચિર શાંતિ પ્રભુના સાનિધ્ય સિવાય ક્યાંય ના મળે એ સત્ય છે .

ઈશ્વરને મેળવવાની જીદ કરવાં કરતાં એને સતત યાદ રાખવા એ વધુ જરૂરી છે .પ્રાર્થના એક એવો મૈત્રી-સંબંધ છે, જે વ્યક્તિ અને ઇષ્ટદેવ વચ્ચે નો હોય છે .પ્રાર્થના બીજું કાંઈ નથી એતો છે ….ભક્તિભાવ અને સાત્વિકભાવ સભર માંગણી, જીવનને ઉર્ધ્વગામી બનાવવાં ભક્તિમાર્ગનું પહેલું પગથિયું એટલે પ્રાર્થના .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.