Western Times News

Gujarati News

Netflix આઝાદી કી અમૃત કહાનિયા અંતર્ગત વાસ્તવિક જીવનના નાયકોને બિરદાવવા સીરિઝ પ્રસારિત કરશે

દિલ્હી,  જ્યારે ભારત એના આઝાદીના 75મા વર્ષના પ્રસંગે એના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે Netflix તથા માહિતી અને પ્રસારણ મંત્રાલય આઝાદી કી અમૃત કહાનિયા નામના પ્રેરક શોર્ટ વીડિયોની સીરિઝ મારફતે અસાધારણ વ્યક્તિઓના વાસ્તવિક જીવનની વિશિષ્ટ સફળતાઓનો બિરદાવવા એકમંચ પર આવ્યાં છે. આ સીરિઝ આજે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પ્રસ્તુત થઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત નેટફ્લિક્સના ટીવીના ગ્લોબલ હેડ બેલા બજારિયાએ કહ્યું હતું કે, “મહાન કથાઓ કોઈ પણ જગ્યાએથી મળી શકે છે અને જ્યારે પડકારો ઝીલીને સફળતા મેળવનાર લોકો વિશે હોય, ત્યારે આ વધારે પ્રેરક હોય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે જોડાણમાં આઝાદી કી અમૃત કહાનિયા વિશિષ્ટ વ્યક્તિઓ અને તેમની જીવનગાથાને બયાન કરે છે, જે ભારત અને દુનિયાભરના લોકોને પ્રેરિત કરી શકે છે.”

પ્રસિદ્ધ અભિનેત્રી નીના ગુપ્તાએ બયાન કરેલા આ શોર્ટ વીડિયોમાં આ વિશિષ્ટ વ્યક્તિઓની નોંધપાત્ર સફરને રજૂ કરે છે અને તેમણે કેવી રીતે તેમના ક્ષેત્રોમાં અલગ ચીલો ચાતર્યો છે. આ મહાનુભાવોમાં વિજ્ઞાનથી લઈને રમતગમત સુધીના ક્ષેત્રોની હસ્તીઓ સામેલ છે. અહીં આ મહાનુભાવોએ તેમના માટે વ્યક્તિગત રીતે આઝાદીનો અર્થ શું હતો એ જણાવ્યું છે.

“જો કોઈ બાબતોનો પ્રયાસ જ ન થયો હોય, તો એનો અર્થ એ નથી કે તમે એ ન કરી શકો. આઝાદી એટલે આગનો સામનો કરવો.” — હર્ષિની કાન્હેકર, ભારતની પ્રથમ મહિલા ફાયરફાઇટર.

“જળમાંથી જીવન મળે છે અને જળ એ જ જીવન છે. હું નદીની જેમ વહીશ તથા તેનું સંરક્ષણ કરવાનું અને જળ પ્રદાન કરવાનું જાળવી રાખીશ, મારે માટે આ જ આઝાદી છે.” — બસંતી દેવી, પર્યાવરણવાદી અને કોસી રિવર ઇકોસિસ્ટમના સંરક્ષક.

“જો મહિલાઓ જીવનનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, તો મહિલાઓ જીવન બચાવવાની તાકાત પણ ધરાવે છે. જો મારે અન્ય લોકોના જીવનને બચાવવા મારાં જીવનને જોખમમાં મૂકવું પડશે, તો હું એનો વિચાર નહીં કરું.”  — પૂનમ નૌતિયાલ, તેઓ અંતરિયાળ વિસ્તારોમાં હજારો લોકોને રસી આપવા ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લાઓમાં માઇલો ચાલ્યાં હતાં.

“એક વૈજ્ઞાનિક તરીકે, દરેક ક્ષણે શીખવાની તક મળે છે. આપણે પડકારોનો સામનો કરવાની અને તેમાંથી શીખવાની જરૂર છે. હું હંમેશા કહું છું કે, વિજ્ઞાનની કોઈ જાતિ નથી અને જ્યારે આપણે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઇશું, ત્યારે આપણને ખરાં અર્થમાં આઝાદી મળશે.” — ટેસ્સી થોમસ, ભારતમાં મિસાઇલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર સૌપ્રથમ મહિલા, “મિસાઇલ વૂમેન ઓફ ઇન્ડિયા”.

“હું પ્રકૃતિનું એક અંગ છું, હું નવી ઊંચાઈઓ સર કરી શકું છું અને મારી સફર હજુ શરૂ થઈ છે. આઝાદી એટલે દુનિયામાં તમારો માર્ગ તમારી રીતે બનાવવો.” — અંશુ જમ્સેન્પા, 5 દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દુનિયાની પ્રથમ મહિલા.

“જ્યારે તમે કશું નવું કરવાનું સ્વપ્ન સેવો છો, ત્યારે નવા માપદંડો સ્થાપિત કરવા મહત્વપૂર્ણ છે. આઝાદી એટલે પવન સાથે એકાકાર થઈ જવું.” — આરોહી પંડિત, લાઇટ-સ્પોર્ટ વિમાનમાં એકલા એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર પાર કરનાર વિશ્વની સૌથી યુવાન વ્યક્તિ અને પ્રથમ મહિલા પાયલોટ.

“તમને સ્વપ્ન જોવાનો અને સ્વપ્નને સાકાર કરવાનો અધિકાર છે. લહેરોની જેમ ધીરજ રાખો, સતત વહો અને ક્યારેય પાછું વળીને ન જુઓ. મારા માટે આઝાદી એટલે હું જ્યાં પણ જાઉં ત્યાં દરિયામાં થોડું સાહસ કરું.”— તન્વી જગદીશ, ભારતની પ્રથણ સ્પર્ધઆત્મક મહિલા સ્ટેન્ડ-અપ પેડલબોર્ડર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.