Western Times News

Gujarati News

એરટેલ, વોડાફોન-આઇડિયાએ લેન્ડ લાઇન નંબરોને મોબાઇલ નંબર ગણાવી છેતરપિંડી કરી

જિયોએ ટ્રાઇને દંડ વસૂલવા અપીલ કરી

નવી દિલ્હી,  રિલાયન્સ જિયો અને બીજી ટેલીકોમ કંપનીઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં રિલાયન્સ જિયોએ એરટેલ અને વોડાફોન આઇડિયા પર મોટો આરોપ મૂક્યો છે. જિયોનું કહેવું છે કે, આ કંપનીઓ લેન્ડલાઇન નંબરોને મોબાઇલ નંબરો સ્વરૂપે ઉપયોગ કરીને ખોટી રીતે ઇન્ટરકનેક્ટ રેવેન્યૂની કમાણી કરી રહી છે. જિયોએ આ કંપનીઓને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને કડક દંડ કરવાની માંગણી કરી છે.

જિયોએ ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ને એક પત્ર લખીને એરટેલ અને વોડાફોન આઇડિયા પર ટેલીકોમ નિયમોનાં ઉલ્લંઘનનો આરોપ કરવા બદલ મોટો દંડ કરવાની અપીલ કરી છે. જિયોનું કહેવું છે કે, આ ત્રણે કંપનીઓનાં કારણે એને અને ભારત સરકારને સેંકડો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાથે સાથે જિયોએ ટર્મિનેશન ચાર્જ (આઇસીયુ) રિફંડની માંગણી પણ કરી છે, જે એણે આ કંપનીઓને આ ગોટાળાને કારણે આપવો પડ્યો છે.

જિયોએ ટ્રાઇનાં ચેરમેન આર એસ શર્માને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “એરટેલ અને વોડાફોન આઇડિયાએ એક ખાસ પ્રક્રિયા અંતર્ગત ઘણાં ઉદ્યોગનાં કસ્ટમર કેર અને હેલ્પલાઇન નંબર તરીકે મોબાઇલ નંબર વહેંચ્યા છે. આ મોબાઇલ નંબરનો ઉપયોગ એક વર્ચ્યુઅલ નંબર સ્વરૂપે થાય છે, જેથી કોલ્સને સીધા કોલ સેન્ટર્સમાં રુટ કરી શકાય. આ કારણે આ કોલનો નેચર મોબાઇલથી વાયરલાઇન અને મોબાઇલથી મોબાઇલમાં બદલી જાય છે, જે એક પ્રકારની છેતરપિંડી છે. આ રીતનો ઉપયોગ કરીને એરટેલ, વોડાફોન આઇડિયા ગેરકાયદેસર રીતે જિયો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટની દરથી ઇન્ટરકનેક્ટ ચાર્જ વસૂલી રહ્યાં હતાં.”

જિયોએ દલીલ કરી છે કે, આ મોડસ ઓપરેન્ડથી કંપની જિયોનાં નેટવર્ક પર આ પ્રકારનાં નંબરો પર આઉટગોઇઁગ કોલનાં પ્રતિ મિનિટ રૂ. 0.58થી વંચિત રહી છે. વળી કંપનીને આ પ્રકારનાં કોલ પર મિનિટદીઠ રૂ. 0.52ની આવક પણ ગુમાવવી પડી છે (આ પ્રકારનાં ટોલ ફ્રી કોલ પર ચાર્જ ઓરિજિનેટિંગ ઓપરટેરને હકીકતમાં મળવો જોઈએ).

જિયોએ દાવો કર્યો હતો કે, કંપનીને શંકા છે કે, બજારમાં આ પ્રકારનાં હજારો નંબરો જૂનાં ઓપરેટર્સે કાર્યરત કર્યા છે. જિયોએ ટ્રાઈને આ પ્રકારનાં નંબરો ચકાસવા માટેની યાદી પણ સુપરત કરી છે. જિયોએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની પ્રેક્ટિસ નોંધપાત્ર સમયથી ચાલી રહી છે. આ પ્રકારની ગેરકાયદેસર કામગીરી અને છેતરપિંડીથી રિલાયન્સ-જિયોનાં નેટવર્ક પર લાખો મિનિટોને મોબાઇલ ટર્મિનેટિંગ મિનિટો ગણવામાં આવી હતી, જે ખરેખર વાયરલાઇન ટર્મિનેશન લાઇન હતી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.