Western Times News

Gujarati News

ચાંદલોડિયામાં બુકાનીધારી લુંટારૂઓ ત્રાટક્યા

ચોરેલી બાઈક પર જતા લુંટારૂઓને પડકારતા એલઆરડી જવાન પર હુમલો કરી લુંટી લીધો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં  તસ્કરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે અને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહયા છે. આ પરિસ્થિતિમાં  શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે બાઈક પર નીકળેલા બુકાનીધારી લુંટારુઓનો એલઆરડીના જવાને પીછો કરી આંતરતા લુંટારુઓએ તેના પર હુમલો કરી ઢોરમાર મારી તેનો મોબાઈલ ફોન લુંટી ભાગી છુટયા હતાં

બુમાબુમ થતાં બાજુની સાઈટ પરથી શ્રમિકો દોડી આવતા આરોપીઓ ભાગી છુટયા હતા. આ અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરવામાં આવતા હદના વિવાદ વચ્ચે આસપાસના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોચી ગયો હતો અને આખરે ગુનો દાખલ કરી એલઆરડી જવાનને સારવાર અર્થે ખસેડયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાથી ચોંકી ઉઠયા છે. તપાસ કરતા સ્થળ પરથી મળી આવેલી બુકાનીધારી લુંટારુઓની બાઈક બાવળામાંથી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી પોલીસતંત્ર એલર્ટ થયેલું છે ખાસ કરીને નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. ગઈકાલે એસ.જી. હાઈવે પરથી યુ.પી.ની ખૂંખાર ગેંગ ઝડપાઈ ગઈ હતી અમદાવાદ શહેરમાં ઠેરઠેર ચેક પોઈન્ટો ગોઠવીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

શહેરના સોલા વિસ્તારમાં નેતલદે સોસાયટીમાં રહેતા પ્રકાશ રમેશભાઈ ગોહિલ નામનો યુવાન છેલ્લા અઢી વર્ષથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે નિત્યક્રમ મુજબ રાત્રે તે ઘરે આવી ફોન ઉપર પોતાની પ્રિયાંશી સાથે ચેટ કરતો હતો

આ દરમિયાનમાં રાત્રિના બે વાગતા તે ઘરની બહાર નીકળ્યો હતો અને ચા પીવાની ઈચ્છા થતાં ચાંદલોડિયા ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં ચાની કિટલી મોડી રાત સુધી ચાલુ રહેતી હોવાથી તે બાઈક પર ચાંદલોડિયા ગ્રામ પંચાયતની ઓફિસ પાસે જવા નીકળ્યા હતાં આ દરમિયાનમાં જ ત્રણ જેટલા શખ્સો મોઢા પર બુકાની બાંધીને ફુલ સ્પીડમાં બાઈક પર પસાર થતાં જાવા મળ્યા હતાં

જેના પરિણામે પ્રકાશભાઈને શંકા ગઈ હતી.એલઆરડી જવાન પ્રકાશભાઈએ શંકાના આધારે આ બાઈકનો પીછો કર્યો હતો અને બુમો પાડી તેમને અટકવા માટે જણાવ્યું હતું પરંતુ ત્રણેય લુંટારુઓ ફુલ સ્પીડમાં બાઈક હંકારતા હતા આ દરમિયાનમાં લુંટારુઓએ તેમને બાઈક ચાંદલોડિયા રેલવે સ્ટેશન તરફ વાળી હતી અને ત્યાં નજીકમાં જ આવેલા શનિદેવના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઉભી રાખી દીધી હતી.

પ્રકાશભાઈ પણ સતર્ક બન્યા હતા સામે ત્રણ બુકાનીધારી શખ્સો હોવાથી તેઓ સાવચેતી દાખવવા લાગ્યા હતાં પરંતુ તેઓ હજી સતર્ક બને તે પહેલાં જ ત્રણેય લુંટારુઓએ તેમને ઘેરી લીધા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો ત્યારબાદ ત્રણેય શખ્સોએ ઢોરમાર મારતા પ્રકાશભાઈએ બુમાબુમ કરી મુકી હતી.

ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસે શનિદેવના મંદિર નજીક કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે બુકાનીધારી લુંટારુઓના હુમલાના પગલે એલઆરડી જવાને બુમાબુમ કરતા બાજુની કન્સ્ટ્રકશન સાઈટ પરથી શ્રમિકો દોડી આવ્યા હતાં. ટોળુ આવતા જાઈ ત્રણેય લુંટારુઓ અંધારાનો લાભ ઉઠાવી ભાગી છુટયા હતાં તેઓનું બાઈક સ્થળ પર જ પડી રહયું હતું. એકત્ર થયેલા મજુરોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. હદ નકકી નહી થતાં ઘાટલોડિયા, સોલા સહિતના ચાર જેટલા પોલીસ સ્ટેશનોનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ એલઆરડી જવાન પ્રકાશની હાલત જાઈ તેની પુછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી. એલઆરડી જવાન રાત્રે બે વાગે બહાર કેમ નીકળ્યો તે અંગે પણ પુછપરછ કરી હતી.

પરંતુ તેણે સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓએ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પરથી બુકાનીધારી લુંટારુઓની બાઈક કબજે લઈ તાત્કાલિક તેના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી

તપાસ કરતા ત્રણ દિવસ પહેલા બાવળામાંથી આ બાઈક ચોરાઈ હોવાનું માલુમ પડયું હતું. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે બાઈક પર પસાર થતાં ત્રણેય શખ્સો અપરાધી હતાં અને તેઓ કોઈ મોટી ઘટનાને  અંજામ આપવા જઈ રહયા હતાં. પરંતુ તે પહેલા જ એલઆરડી જવાને તેનો પીછો કરી પડકાર્યા હતાં. ઈજાગ્રસ્ત એલઆરડી જવાન પ્રકાશભાઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્રણેય શખ્સોએ પ્રકાશભાઈનો મોબાઈલ ફોન પણ લુંટી લીધો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોંકાવનારી આ ઘટનામાં પોલીસ અધિકારીઓએ તપાસ કરવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને સૌ પ્રથમ ઘટના સ્થળ તથા તેના આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાકે હજુ તેમાં સફળતા મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.