Western Times News

Gujarati News

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકભાગીદારીથી કુપોષિત બાળકોને શુદ્ધ ઘીની સુખડી પૂરક આહાર આપી તેને સુપોષિત કરવાનું અભિયાન

ઘરે પણ ન બને એવી શુદ્ધ ઘીની સુખડી પૂરક આહારમાં આપી. વડોદરા જિલ્લાના નંદઘરોના બાળકોને પોષિત કરવા અભિયાન

 આલેખન – દર્શન ત્રિવેદી

વડોદરા, એ ડબ્બો ખુલે એટલે અંદર રહેલા વ્યંજનની સોડમ આવ્યા વિના રહે નહી ! વ્યંજનને મ્હોંમાં મૂકો એટલે વિશિષ્ટ સ્વાદની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એ વ્યંજનને શુદ્ધ ઘીથી બનાવવામાં આવ્યું છે, એ સ્વાદ ઉપરથી જ માલૂમ પડી જાય ! તે વ્યંજન છે સુખડી અને આવી લિજ્જતદાર સુખડી વડોદરા જિલ્લાના કુપોષિત બાળકોને પૂરક આહાર તરીકે આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકભાગીદારીથી કુપોષિત બાળકોને શુદ્ધ ઘીની સુખડી પૂરક આહાર આપી તેને સુપોષિત કરવાનું અભિયાન છેડવામાં આવ્યું છે.

કલેક્ટર શ્રી અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં કુલ ૯૩૧૯૭ બાળકો પ્રિસ્કૂલિંગ કરી રહ્યા છે. તે પૈકી ૧૭૮૮ બાળકો અતિકુપોષિત જણાયા છે. સામાન્ય બાળકોની સાપેક્ષે જેનું પ્રમાણ ૧.૯૨ ટકા જેટલું છે. જ્યારે, ૭૯૪૭ બાળકો પીળા રંગમાં વર્ગિકૃત કરવામાં આવ્યા છે. એટલે કે, આ બાળકોને પણ પૂરક પોષણની જરૂર છે.

આથી ૯૭૩૫ બાળકોને લક્ષ્યમાં રાખીને તેને પૂરક આહાર તરીકે શુદ્ધ ઘીમાં બનાવેલી સુખડી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપતા ટેક હોમ રાશન ઉપરાંતની આ સુખડી આપવામાં આવી રહી છે. આ સુખડી બનાવવાની કામગીરી પ્રસિદ્ધ સંસ્થા અક્ષયપાત્રને સોંપવામાં આવ્યું છે.

અક્ષયપાત્ર દ્વારા બનાવેલી સુખડી આપણા ઘરે પણ ન બને એવી છે. ઘી, ગોળ, ઘઉંનો લોટ અને મગફળીથી આ સુખડી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ કુશળ ગૃહિણીના હાથે બની હોઇ એવો જ છે. એટલે બાળકો પણ આ સુખડી હોંશેહોંશે આરોગી રહ્યા છે. આ સુખડી લક્ષ્યાંકિત બાળકોના ઘરે જ આપવાની અથવા તો નિદર્શન ભોજન દરમિયાન આપવાની એવી સૂચના કલેક્ટરશ્રી ગોરે સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના અધિકારીઓને આપી છે.

એક સપ્તાહમાં ત્રણ વખત આ સુખડી આપવામાં આવી રહી છે. એટલે કે એક વીકમાં એક બાળકને દોઢસોથી બસ્સો ગ્રામ સુખડી પૂરક આહાર તરીકે મળી રહે છે. આ સુખડી બાળકને જમવા સાથે ખવડાવવામાં આવે છે. અક્ષયપાત્ર દ્વારા એક રાઉન્ડમાં ૫૦૦ કિલો જેટલી સુખડી બનાવવામાં આવે છે. જેનું વિતરણ જિલ્લા વહીવટી તંત્ર સાથે સહયોગમાં રહી આંગણવાડીઓમાં કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા પાંચ રાઉન્ડ સુખડી વિતરિત થઇ ગયા છે. એટલે કે ૨૫૦૦ કિલોગ્રામ સુખડી પૂરક આહાર તરીકે બાળકોને આપવામાં આવી છે.

પ્રત્યેક બાળક તંદુરસ્ત બને તેવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંકલ્પનાને સાકાર કરવા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભાયેલા આ અભિયાનમાં લોકભાગીદારી પણ સારી મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.