Western Times News

Gujarati News

હવાનાની હોટલમાં ગેસ લિક થતાં વિસ્ફોટમાં ૨૨નાં મોત

હવાના, ક્યુબાની રાજધાની હવાનાની એક આલિશાન હોટલમાં ગેસ લીક થવાને કારણે એક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળ્યા હતા. અત્યાર સુધી વિસ્ફોટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મૃત્યુ થયા હોવાની જાણકારી સામે આવી છે. આ સિવાય ૩૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ હવાનાની લક્ઝરી ફાઈવ સ્ટાર સારાટોગા હોટલમાં થયો હતો હવાનાના ગવર્નલ રેનાલ્ડો ગાર્સિયા ઝાપાટાએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિસ્ફોટ સમયે ૯૬ ઓરડા વાળી આ હોટલમાં કોઈ પર્યટક હાજર નહોતા, કારણકે અહીં સમારકામ ચાલી રહ્યુ હતું.

આ દુખદ ઘટના બન્યા પછી રાષ્ટ્રપ્રમુખ મિગુએલ ડિઆઝ-કૈનેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ટિ્‌વટ કરીને જાણકારી આપી કે, આ કોઈ બોમ્બ વિસ્ફોટ અથવા હુમલો નથી, આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટના છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં હોસ્પિટલ સર્વિસિના પ્રમુખ ડોક્ટર જૂલિયો ગુએરાએ પત્રકારોને જણાવ્યું કે, શુક્રવારના રોજ બનેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રાષ્ટ્રપ્રમુખની ઓફિસ તરફથી જે જાણકારી આપવામાં આવી છે, તે અનુસાર ઈજાગ્રસ્તોમાં ૧૪ બાળકો પણ સામેલ છે. વિસ્ફોટથી પ્રભાવિત હોટલ પાસેની ઈમારતોમાં રહેતા પરિવારોને પણ સુરક્ષિત સ્થળ પર મોકલવામાં આવ્યા છે.

ક્યૂબાની એક ન્યુઝ ચેનલના રિપોર્ટ અનુસાર, વિસ્ફોટ એક ટ્રકને કારણે થયો છે, જે હોટલને ગેસ પૂરી પાડી રહી હતી. જાે કે, ગેસ કેવી રીતે લીક થયો તેની હજી જાણકારી સામે નથી આવી. ઘટનાની જાણકારી થતા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરુ કરી હતી.

વિસ્ફોટ પછી હોટલની ચારે બાજુ ધુમાડા જાેવા મળ્યા હતા. ગભરાયેલા લોકો પણ રસ્તા પર અહીં તહીં ભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે થંભી ગયેલા પર્યટન ક્ષેત્રને ફરીથી પાટા પર લાવવા માટે ક્યૂબા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ દુર્ઘટના અત્યંત દુખદ છે.

ક્યૂબાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે, કારણકે ૧૯મી સદીની આ હોટલના કાટમાળમાં હજી પણ લોકો ફસાયેલા હોઈ શકે છે. હજી પણ કાટમાળમાં લોકોની શોધ ચાલુ છે. હોટલની બાજુમાં સ્થિત ૩૦૦ વિદ્યાર્થીઓ વાળી એક શાળા પણ ખાલી કરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૫માં ક્યૂબા સરકાર દ્વારા ઓલ્ડ હવાનાના પુનર્વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ હોટલનું પણ રિનોવેશન કરવામાં આવ્યુ હતું.

સારાટોગા હોટલનો ઉપયોગ મોટાભાગે વીઆઈપી લોકો અને રાજનૈતિક હસ્તીઓ દ્વારા કરવામાં આવે છે. હવાનાના એક ફોટોગ્રાફર માઈકલ જણાવે છે કે, વિસ્ફોટ થયો ત્યારે હું હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. હું જમીન પર પડી ગયો.

મારા માથામાં હજી પણ દુખાવો થઈ રહ્યો છે. બધું એકાએક થઈ ગયું. હોટલમાં કામ કરનારા લોકોના પરિવારજનો પણ તેમને શોધવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.