Western Times News

Gujarati News

અમદાવાદ-કચ્છ હાઈવે પર ૩૪ કલાક સુધી વાહનો ફસાયા

અકસ્માતને કારણે ટ્રાફિક જામ

ટેન્કરમાં મેથાનોલ હોવાને કારણે અકસ્માત પછી આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું કરુણ નિધન થયુ હતું

રાજકોટ,
અકસ્માતને કારણે અમદાવાદ-કચ્છ હાઈવે પર લગભગ ૩૪ કલાક સુધી અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક જામમાં સેંકડોની સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા જેમાં ખાનગી અને સરકારી બસો પણ સામેલ હતી. નોંધનીય છે કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આખરે આ રસ્તો ખાલી થયો હતો અને વાહનો આગળ વધી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે બે ટેન્કર અને ત્રણ ટ્રકોને ઓવરબ્રિજ પરથી ઉપાડવાને કારણે આ રસ્તો સાફ થઈ શક્યો હતો, નહીં તો આ ટ્રાફિક હજી લાંબા સમય સુધી રહેતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધા પાસે આવેલા હરિપાર ગામ પાસે આવેલા ટુ-લેન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાને કારણે સમગ્ર સ્થિતિ સર્જાઈ હતી. ટેન્કરમાં મેથાનોલ હોવાને કારણે અકસ્માત પછી આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું કરુણ નિધન થયુ હતું. આટલુ જ નહીં, સ્થિતિ ત્યારે વધારે બગડી ગઈ જ્યારે રવિવારના રોજ માલવણ ટોલ પ્લાઝા પાસે ત્રણ ટ્રકો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી.

એક અકસ્માત શનિવારના રોજ થયો અને પછી બીજાે રવિવારના રોજ થયો, જેના કારણે ટ્રાફિક વધારે થઈ ગયો. નાના વાહનોની વાત કરીએ તો, સેંકડોની સંખ્યામાં કારોએ ગામડાઓનો રસ્તો પસંદ કરી લીધો હતો. કારચાલકો ગામડાઓમાંથી પસાર થઈને નીકળી ગયા હતા, પરંતુ ભારે અને મોટા વાહનો માટે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો. કચ્છ તરફથી આવતા વાહનોએ સુરેન્દ્રનગર તરફ જતો રસ્તો પકડ્યો હતો. પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

દ્રાંગધ્રા અને વિરમગામની વચ્ચેના લગભગ ૩૦થી ૩૫ કિલોમીટરના પટ્ટામાં મોટાભાગના વાહનો ફસાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર ટ્રક અને અન્ય મોટા અને ભારે વાહનોની ઘણી અવરજવર હોય છે. મોટાભાગના આ વાહનો કંડલા અને મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યા હોય છે. ટ્રાફિકમાં વધારો ન થાય તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કચ્છથી ઉપડતી તમામ બસોને રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડાઈવર્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે ઓવરબ્રિજ ફોર-લેન હાઈવે પર ટુ-લેન સ્ટ્રેચ છે, અને અહીં અકસ્માતોની સંખ્યા પણ વધારે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.