Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.એ રૂા.૪૦ લાખના ખર્ચથી તૈયાર કરેલ ટેનિસ કોર્ટ દૈનિક માત્ર રૂા.૧રપ ના ભાડેથી ચલાવવા આપ્યા

મનપાનું પીપીપી મોડલ નિષ્ફળ: સસ્તા ભાડેથી આપવામાં આવેલ ટેનિસ કોર્ટ માટે નાગરિકો પાસેથી તગડી ફી લેવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી પીપીપી મોડેલની બોલબાલા રહી છે. મ્યુનિ. કોર્પોરેશનની જમીન અને ખર્ચથી તૈયાર કરવામાં આવેલી સુવિધા “માનીતા” ઓને નજીવા દરથી ચલાવવા આપવામાં આવે છે.

સામાન્ય રીતે પીપીપી મોડેલમાં જે તે સુવિધા તૈયાર કરવાનો ખર્ચ ખાનગી સંસ્થા કે કોન્ટ્રાકટરના શિરે રહે છે પરંતુ શાસકપક્ષ કે ઉચ્ચ અધિકારીના અતરંગ વર્તુળો માટે નીતિ નિયમો નેવે મુકવામાં આવે છે. તેવી જ રીતે ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે કરેલી જાહેરાતોના કામ પૂર્ણ થયા બાદ તેને ચલાવવા માટે સ્ટાફ હોતા નથી. આવા સંજાેગોમાં જે તે સુવિધા રાજકીય કોન્ટ્રાકટરોને નજીવ ભાડાથી ચલાવવા માટે આપવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારથી કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માસિક રૂા.૪ હજારના ભાડેથી આપવા નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દસ સ્થળે ર૦ જેટલા ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ સીંગલ ટેનિસ કોર્ટ રૂા.ર૦ લાખ અને ડબલ કોર્ટ રૂા.૪૦ લાખના ખર્ચથી તૈયાર થયા છે. મનપા દ્વારા રૂા.ચાર કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા ટેનિસ કોર્ટ છેલ્લા અઢી વર્ષથી ધુળ ખાઈ રહયા છે તથા કેટલાક સ્થળે તો કોર્ટ શોધવા પડે તેવી પરિસ્થિતિ જાેવા મળે છે.

ટેનિસ કોર્ટ તૈયાર થયા બાદ ગત્‌ ટર્મમાં રૂા.એક લાખની અપસેટ વેલ્યુ સાથે ટેન્ડર એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નહતો. કોરોના અને ચૂંટણીના કારણે ટેનિસ કોર્ટની તકેદારી લેવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી.

મ્યુનિ. ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ એક વખત જુલાઈ ર૦ર૧માં ટેનિસ કોર્ટ ભાડે આપવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જે વખતે માસિક રૂા.ર થી ૬ હજાર ભાડાના ભાવ આવ્યા હતાં તે સમયે કોચ કે કોન્ટ્રાકટરોએ જે ભાવો આપ્યા હતા એના કરતા વધુ ભાવ વાહન પાર્કિંગ કે ફુટપાથ પર લારી ઉભી રાખવા માટે લેવામાં આવી રહયા છે જેના કારણે મ્યુનિ. શાસકોએ તે સમયે સદર દરખાસ્ત પરત કરી હતી.

થલતેજ અને ગોતામાં ટેનિસ કોર્ટ માટે માસિક રૂા.૬ર૧ર ના ભાવ મળ્યા હતા જયારે રામોલ, નિકોલ, લાંભા અને મેમનગરમાં રૂા.રર૦૦ થી ર૯૦૦ માસિક ભાડાના ભાવ ભરવામાં આવ્યા હતા. મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ ૧૩ ટેનિસ કોર્ટ માટે માસિક માત્ર રૂા.રરપ૩૪ના ભાવ મળ્યા હતા.

મ્યુનિ. કોર્પો.એ લગભગ ૧૦ મહિનાના અતરાળ બાદ લાંભા, રામોલ અને નિકોલના ટેનિસ કોર્ટ માટે ટેન્ડર મંગાવ્યા હતા જેમાં લાંભાની બે ટેનિસ કોર્ટ માટે માસિક ભાડુ રૂા.૩૮૩૩, રામોલ માટે રૂા.૪૧૬૬ તેમજ નિકોલ માટે રૂા.૪૩૩૩ના ભાવ આવ્યા છે. જે ૧૦ મહિના અગાઉ જાહેર કરેલ ભાવ જેટલા જ છે તેમ છતાં આશ્ચર્યજનક રીતે રિક્રિયેશન કમીટી દ્વારા તેને મંજુરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે જે માસિક ભાડા આવ્યા છે તેની દૈનિક ગણતરી કરવામાં આવે તો લાંભામાં રૂા.૪૦ લાખના ખર્ચથી તૈયાર થયેલ ટેનિસ કોર્ટ માટે રૂા.૧ર૬, રામોલ માટે રૂા.૧૩૬, અને નિકોલ માટે રૂા.૧૪ર મ્યુનિ. કોર્પો.ને મળશે. મ્યુનિ. સત્તાધારી પાર્ટીની અણઆવડત અને નકકર આયોજનના અભાવે તંત્રની તિજાેરીને નુકસાન થઈ રહયુ છે સાથે સાથે પ્રજાના રૂપિયાનો પણ ધુમાડો થાય છે તેમ છતાં પીપીપી મોડલના નામે માનીતા કોન્ટ્રાકટરોને લાભ કરી આપવામાં આવે છે.

થોડા સમય અગાઉ જ વસ્ત્રાલ, ગોતા અને થલતેજમાં બનાવવામાં આવેલ સ્વીમીંગ પુલ બારોબાર કોન્ટ્રાકટરોના હવાલે કરવામાં આવ્યા છે. વિપક્ષની નબળી કામગીરીને કારણે સતાધારી પાર્ટીને મોકળુ મેદાન મળી ગયું છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં પાર્કિંગના સ્થાને ટેનીસ કોર્ટ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ ૧૦ વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ ર૦ કરતા વધુ ટેનિસ કોર્ટ છેલ્લા બે વર્ષથી ધુળ ખાઈ રહી છે લાંભા વોર્ડમાં રૂા.૪૦ લાખના ખર્ચથી બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટને શોધવી પણ મુશ્કેલ છે કોર્ટની બાજુમાં લાયબ્રેરીનું કામ ચાલી રહયુ હોવાથી તેના કોન્ટ્રાકટરે ચોતરફ પતરા લગાવી કોર્ટને ઢાંકી દીધી છે જયારે ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટ નિયમ મુજબ ગેરકાયદેસર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યા મુજબ ચાંદલોડિયા વોર્ડ ઓફિસના પ્લાનમાં જે સ્થળે પાર્કિંગ બતાવવામાં આવ્યું હતું તે જગ્યા પર જ ટેનીસ કોર્ટ બનાવવામાં આવી છે આમ શહેરના નાગરિકોને પાર્કિંગમાં દબાણ ન કરવાની સલાહ આપનાર મ્યુનિ. કોર્પોરેશને જ પાર્કિંગમાં ટેનીસ કોર્ટ બનાવી દબાણ ઉભા કર્યાં છે. જાણકારોના મંતવ્ય મુજબ પૂર્વ કમિશ્નર વિજય નેહરાની જીદ ના કારણે ટેનીસ કોર્ટ પાછળ રૂા.૪ કરોડ કરતા વધુ રકમનો ધુમાડો થયો છે આટલી જ રકમ પાણીની ટાંકી કે બગીચા બનાવાવ પાછળ ખર્ચ કરવામાં આવી હોત તો નાગરિકોને તેની સુવિધાનો લાભ પણ મળ્યો હોત તેમ વધુ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.