Western Times News

Gujarati News

રોડ પર રખડતા લોકોને અભયમ ટીમની મદદથી આશ્રય આપે છે, બાયડની આ સંસ્થા

મુખ્યમંત્રી બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાતે પહોચ્યા-મનોદિવ્યાંગ લોકોની સાર સંભાળ-સેવા એ સમાજની નૈતિક ફરજ

મનોદિવ્યાંગજનો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદના -પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાંથી સમય કાઢી મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્ય ભાવે સંવાદ સાધ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ-મિતભાષી, સાદગીપૂર્ણ અને માનવીય સંવેદના સભર વ્યવહારથી ગુજરાતના જન-જનમાં ‘આપણા ભૂપેન્દ્રભાઇ’ તરીકે લોકચાહના મેળવતા રહ્યા છે. અરવલ્લીના બાયડ તાલુકાની જય અંબે મંદબુદ્ધિ મહિલા સંસ્થાની મનો દિવ્યાંગ બહેનો એ મુખ્યમંત્રીશ્રીની આવી જ આગવી સહજ સંવેદનાની અનુભૂતિ શ્રી ભૂપેન્દ્ર પટેલ ની આ સંસ્થાની પ્રત્યક્ષ મુલાકાતથી કરી હતી.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર અરવલ્લીના પ્રવાસે હતા અને આ દરમ્યાન તેમણે ખાસ સમય ફાળવીને આ મનોદિવ્યાંગ મહિલા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ-વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. તેમણે સંસ્થામાં મહિલાઓને અપાતી સુવિધાઓની વિગતો મેળવી હતી. આ સંસ્થાની એક એક જગ્યાની મુલાકાત લઇને સેવાકીય પ્રવૃતિઓની ઝિણવટપૂર્વક વિગતો તેમણે જાણી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદના સભર મુલાકાત દરમ્યાન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે મનોદિવ્યાંગ મહિલાઓ સંસ્થા સુધી કેવી રીતે પહોંચે છે તેની પણ વિસ્તૃત વિગતો ટ્રસ્ટીગણ પાસેથી મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે,

જેમની ઉંમરના પ્રમાણમાં વિચારવાની શક્તિ અત્યંત ક્ષીણ હોય છે, આવા લોકોની દેખભાળ- સેવા એ સમાજની નૈતિક ફરજ છે. ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’આવી મહિલાઓની સેવા દેખભાળ કરે છે, આવી સંસ્થાઓની કામગીરી અને મુલાકાત જનસેવાની નવી પ્રેરણા આપનારી બને છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’ જેમનું કોઇ વાલી-વારસ ન હોય તેવા મનોદિવ્યાંગ લોકોને આશ્રમમાં લાવી તેમની દેખરેખ રાખે છે. રોડ-રસ્તા પર રખડતા-ભટકતા આવા લોકોને સરકારની અભયમ ટીમની મદદથી આશ્રમમાં લાવી તેમને આશ્રય અપાય છે.

અત્યાર સુધીમાં ૩૫૦ થી વધુ બહેનોને અહી આશ્રય અપાયો છે. ઘણા કિસ્સામાં હાથ-પગ કે માથાના ભાગમાં કીડા પડી ગયા હોય અને શારીરિક રીતે અત્યંત અશક્ત હોય તેવી મહિલાઓને પણ અહીં લાવીને સેવા સારવાર અપાય છે.

૧૭૦ બહેનોને માનસિક રોગની દવા, હૂંફ, લાગણી, પ્રેમ પુરા પાડી સફળ રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સંસ્થા દ્વારા બિમાર કે અશક્ત વ્યક્તિના નિદાન પણ કરાવાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા સોંપાયેલ ૧૭ બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ પણ આ સંસ્થાએ કરાવી છે.

સંસ્થામાં આશ્રય લઇ રહેલી મનોદિવ્યાંગ બહેનોએ પણ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત અને તેમની સાથે તેમણે કરેલા સહજ સંવાદના મનોભાવ પોતાની આગવી લાક્ષણિકતાથી વ્યકત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના તેમજ ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’ના પ્રમુખ શ્રી અશોકભાઈ. એસ. જૈન, મંત્રી શ્રી વિજયભાઈ. પી. પટેલ, શ્રી વિશાલભાઈ. જે. પટેલ, ટ્રસ્ટી શ્રી જબરસિંગ. એસ. રાજપુરોહિત, મુકેશભાઈ લુહાર, વિનુભાઈ. જે. પટેલ, દર્શનભાઈ પંચાલ તેમજ સચીનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.