Western Times News

Gujarati News

રાજ્યની કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન સુવિધાસભર બનાવવાની દિશામાં વધુ એક કદમ

રૂ.૧૭ કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને રૂ.૫૧.૯૪ કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા અને સુવિધાસભર બનાવશે : મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

રાજ્યની તમામ કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન-સુવિધાસભર બનાવવાની દિશામાં વધુ એક નક્કર પગલું ભરી મહેસૂલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત રૂ.૧૭ કરોડના ખર્ચે ઉમરાળા અને

સાણંદની તાલુકા કોર્ટ અને રૂ.૫૧.૯૪ કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગર ખાતેના ઉમરાળા ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. ૮,૨૫,૬૪,૦૦૦ ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ૨૨૫૭.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં આકાર લેનાર આ અદ્યતન નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + ૧ માળનું કરવામાં આવનાર છે.

આ કોર્ટ બિલ્ડીંગમાં ૨ કોર્ટરૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સાણંદ અમદાવાદ(ગ્રામ્ય) ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. ૮,૭૨,૦૦,૦૦૦ ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ૩૩૧૧.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ઉભી થઈ રહેલી આ નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + ૨ માળનું કરવામાં આવનાર છે.

આ કોર્ટ બિલ્ડીંગમાં ૪ કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. આ કોર્ટ બિલ્ડિંગમાં પણ જરૂરી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાશે.

તેમણે ઉમેર્યું કે, ભાવનગર ખાતે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. ૫૧,૯૪,૦૦,૦૦૦ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ૧૬૦૫૦.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં તૈયાર થઈ રહેલા આ નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + ૪ માળનું કરવામાં આવનાર છે.

આ કોર્ટ બિલ્ડીંગમાં ૨૫ કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.