Western Times News

Latest News in Gujarat

નહેરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા કપરાડા ITI ખાતે યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા પ્રગતિ મહિલા મંડળ-બીલપુડીના સહયોગથી કપરાડાની આઇ.ટી.આઇ. ખાતે પાડોશી યુવા સાંસદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં સ્‍ટેટ બેંકના મેનેજર દિવ્‍યેશભાઇએ બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ લોન-સહાય તેમજ ડિજીટલ ઇન્‍ડિયા અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. કાનુની સેવા કેન્‍દ્રના બાલુભાઇએ કાયદાઓ અંગે સવિસ્‍તર જાણકારી આપી જરૂરિયાતના સમયે મફત કાનૂની સેવા કેન્‍દ્રનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કપરાડા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ગિરીશભાઇએ યુવાનોને સક્રિય બની દેશના વિકાસમાં સહયોગી બનવા જણાવ્‍યું હતું. ચાઇલ્‍ડલાઇનના ઉમેશભાઇએ ૧૦૯૮ નંબર તેમજ ૧૩ થી ૧૮ વર્ષની વયના બાળકો માટે ઉપયોગી જાણકારી આપી હતી. કપરાડા તાલુકાના આસી. ટી.ડી.ઓ. પ્રકાશભાઇએ બહેનોને લગતી રાજ્‍ય સરકારની મિશન મંગલમ યોજના, આવાસ યોજના સહિત વિવિધ યોજનાની જાણકારી આપી તેનો લાભ લેવા જણાવી સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં સૌના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

નહેરૂ યુવા કેન્‍દ્રના યુવા સંયોજક અર્શદીપએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા યુવાઓ માટે કરવામાં આવતી કામગીરી અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી.  પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંવિતે આભારવિધિ આટોપી હતી.