Western Times News

Latest News from Gujarat India

રથયાત્રામાં અભૂતપૂર્વ જનમેદની ઊમટે તેવી શક્યતા

File

રથયાત્રા રૂટ પર પડેલો કાટમાળ હટાવી દેવાશે

ટ્રાફિક પોલીસના જાેઈન્ટ પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે કે બે વર્ષ બાદ રથયાત્રા ધામધૂમથી નીકળી શકે છે, જેમાં દર્શનાર્થીઓની ભીડ પહેલા કરતા વધુ રહે તેવી શક્યતા છે. ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટ પર સર્વે શરૂ કરી દીધો છે. જે મકાનનો કાટમાળ પડયો હશે તેને હટાવી દેવાની સૂચના આપવામાં આવી છે.

હોર્ડિંગ બોર્ડ કે જે પડી જાય તેવી સ્થિતિમાં છે તેને ઉતારી લેવાનું પણ કહ્યું છે જયારે ભયજનક મકાનોમાં રીનોવેશન કરાવવાનું પણ જે તે મકાન માલિકોને કહી દેવાયું છે અક વખત સર્વે થઈ ગયા બાદ વધુ એક વખત ટ્રાફિક પોલીસ રથયાત્રા રૂટ પર સર્વે કરશે. દર વર્ષ કરતા ચાલુ વર્ષની રથયાત્રામાં પોલીસનો બંદોબસ્ત બમણો થાય તેવી શક્યતા છે.

(એજન્સી) અમદાવાદ, કોરોનાની ખતરનાક મહામારીએ લોકોની જીવન જીવવાની પદ્ધતિ બદલી નાંખી હતી, જયારે કેટલાક ઐતિહાસિક નિર્ણયો પણ બદલાઈ ગયા હતા. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યાએ નીકળે છે,

જેમાં છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ હટી જાય તેવી શકયતા છે. વર્ષ ર૦૧૯માં નીકળેલી ૧૪રમી રથયાત્રામાં ભગવાનના દર્શન માટે ઉમટેલી જનમેદની કરતા વધુ જનમેદની ૧૪પમી રથયાત્રામાં ઉમટી પડે તેવી શકયતા છે. જેને લઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

૧ જુલાઈના રોજ અમદાવાદમાં ૧૪પમી રથયાત્રા નીકળવાની છે, જેને લઈ અમદાવાદ પોલીસે બંદોબસ્તની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે અને દર વર્ષે નીકળતી રથયાત્રા કરતા ચાલુ વર્ષે નીકળનારી રથયાત્રામાં બંદોબસ્તમાં વધારો થાય તેવું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

વર્ષ ર૦૧૯ સુધી લાખો ભક્તો અને હજારો પોલીસ જવાનોની ભીડ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા અમદાવાદમાં શાનથી નીકળતી હતી. રર કિ.મી. લાંબી રથયાત્રામાં લાખો ભક્તો દર્શનનો લ્હાવો લેતા હતા, પરંતુ અચાનક છેલ્લા બે વર્ષથી ઐતિહાસિક આ રથયાત્રામાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. કોરોના મહામારી વચ્ચે વર્ષ ર૦ર૦માં ૧૪૩મી રથયાત્રા મંદિર સંકુલમાં ફેરવવામાં આવી હતી, જેમાં ઘણો વિવાદ થયો હતો ત્યાર બાદ ગત વર્ષે ૧૪૪મી રથયાત્રા લાખો ભક્તોની ભીડના બદલે જૂજ ભક્તો સાથે નીકળી હતી.

ગત વર્ષની રથયાત્રા સમયે રૂટમાં કરફયુ અમલી કરવામાં આવ્યો અને હજારો પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આ સાથે કોરોનાના સંપૂર્ણ પ્રોટોકોલ સાથે આ રથયાત્રા નીકળી હતી. માત્ર પાંચ કલાકમાં રથયાત્રા પુરી થઈ ગઈ હતી.

૧ જુલાઈના રોજ અમદાવાદમાં ૧૪પમી રથયાત્રા નીકળવાની છે જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જગન્નાથ મંદિર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
૧૪૪મી રથયાત્રા લાખો ભક્તોની ભીડના બદલે જૂજ ભકતોની સાથે નીકળી હતી જયારે કરફયુનો પણ અમલ કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે રથયાત્રા રૂટ પર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમાં ૪ર ડીસીપી, ૭૪ એસીપી, ર૭૦ પીઆઈ તેમજ ૬૦૭ પીએસઆઈ હાજર રહ્યા હતા ત્યારે ૧૧,૮૦૦ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષામાં જાેડાયા હતા. પોલીસ સાથે અર્ધલશ્કરી દળ, જેમ કે ૩૪ એસઆરપી કંપની અને સીએપીએફની ૯ કંપની તહેનાત હતી,

ચેતક કમાન્ડોની એક ટીમ તેમજ પ૯૦૦ હોમગાર્ડ જવાનો રાતથી બંદોબસ્તમાં જાેડાઈ ગયા હતા કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે બોમ્બ સ્કવોર્ડની ૧૩ ટીમ અને ક્યુઆરટીની ૧પ ટીમ તહેનાત હતી. રથયાત્રાના સમય દરમિયાન આઠ પોલીસ સ્ટેશનની હદમાં કરફયુ લગાવી દેવાયો હતો. થ્રીલેયર સુરક્ષા વચ્ચે રથયાત્રા શાનથી નીકળી હતી,

સાથોસાથ ૧પ જેટલા ડ્રોનથી હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રથયાત્રા રૂટ પર આવતા ધાબા ઉપર પણ પોલીસનો પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો હતો, જે દુરબીનથી લોકો પર બાજ નજર રાખી રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers