Western Times News

Gujarati News

આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૦૦૬ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને ૧૦૭% સિદ્ધિ મેળવી છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીકન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્દર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં ૬૨૧૫ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના તમામ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો પર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીકન્સલ્ટેશનમાં કામ કરે છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.