Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના 4,96,006 રાશનકાર્ડ ધારકોને મળ્યો ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

પ્રતિકાત્મક

કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)એ ‘સૌને અન્ન, સૌને પોષણ’ના મંત્રને સાર્થક કર્યો છે

અમદાવાદ જિલ્લાના 1,33,617 બીપીએલ તથા 45,502 અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ઉપરાંત 3,16,887 એપીએલ કાર્ડધારકોને પણ મળ્યો PMGKA યોજનાનો લાભ

કોવિડ-19ની વૈશ્વિક મહામારીના સમયમાં પણ દેશમાં કોઈએ ભૂખ્યું ન સૂવું પડે, એની માત્ર ચિંતા જ નહિ, પરંતુ સુચારુ વ્યવસ્થા ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી કરવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ગરીબી અને ગરીબોને ખૂબ નજીકથી જોયા છે, એટલે તેઓ તેમની પીડા સારી રીતે સમજી શકે છે.

એમાંય કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે ધંધા-વ્યવસાય ઠપ થતાં મધ્યમ વર્ગના કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ પણ કથળવા પામી હતી. આ સ્થિતિને સમજીને સરકારે ગરીબોની સાથે સાથે મધ્યમ વર્ગના લોકોની પણ કાળજી લીધી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) દ્વારા દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ તમામ રાશનકાર્ડ ધારક પરિવારોને મળી રહે, એ સુનિશ્ચિત કરવામાં આવ્યું.

કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(PMGKAY)એ ‘સૌને અન્ન, સૌને પોષણ’ના મંત્રને સાર્થક કરીને દુનિયામાં એક દાખલો બેસાડેલો છે કે સરકાર જો સંવેદનશીલ અને સાહસિક હોય તો સમાજમાં કોઈને ભૂખ્યું ન સૂવું પડે. કોરોનાની સમાજજીવન અને અર્થતંત્ર પર અસર પડતાં તરત જ કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ-2020માં PMGKA યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ, 2016થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013નું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજયનાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળના કાર્ડધારકો તથા અગ્રતા ધરાવતા કુટુંબો ( Priority House Hold- PHH)ને સમાવીને સસ્તા દરે અનાજ-કઠોળ આપવામાં આવે છે.

PMGKAY અંતર્ગત બીપીએલ અને અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા પરિવારો ઉપરાંત ગરીબી રેખાથી ઉપરના મધ્યમ વર્ગના રાશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને વ્યક્તિદીઠ પાંચ કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા કરવામાં આવી.

અમદાવાદ જિલ્લામાં આ યોજનાના સુદૃઢ અમલીકરણ માટે તંત્ર દ્વારા ફળદાયી પ્રયાસો કરવામાં આવ્યા છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત નોંધાયેલા તમામ રાશનકાર્ડ ધારકોને એપ્રિલ-2020થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

એપ્રિલ-2022 દરમિયાન આ યોજના અંતર્ગત કુલ 4,96,006 રાશનકાર્ડ ધારકોએ PMGKA યોજનાનો લાભ મેળવ્યો છે. આંકડામાં જરા ઊંડા ઊતરીએ તો અમદાવાદ શહેરના કુલ 65,587 બીપીએલ પરિવારો તથા 20,978 અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ઉપરાંત 2,37,972 એપીએલ-1 વર્ગના રાશનકાર્ડ ધારકોએ PMGKA યોજના અંતર્ગત વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મેળવ્યું છે.

અમદાવાદ ગ્રામીણ વિસ્તારના આંકડા જોઈએ તો 68,030 બીપીએલ કાર્ડ ધારકો અને 24,524 અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ઉપરાંત 78,914 એપીએલ-1 કાર્ડ ધારકો અને એપીએલ-2માં આવતા એક પરિવારે આ યોજનાનો લાભ મેળવ્યો છે. આમ, સમગ્ર અમદાવાદ જિલ્લાની વાત કરીએ કુલ 1,33,617 બીપીએલ પરિવારો, 45,502 અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ઉપરાંત ગરીબી રેખાની ઉપર આવતાં હોય એવા કુલ 3,16,887 એપીએલ કાર્ડ ધારકો સુધી આ યોજના થકી દર મહિને અન્ન પહોંચાડવામાં આવ્યું છે.

વર્ષ 2021-22 દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે ઉદભવેલ પરિસ્થિતિના કારણોસર કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને ફરી લાગુ પાડવામાં આવી હતી. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં મે અને જૂન-2021, ચોથા તબક્કામાં જુલાઈથી નવેમ્બર-2021 એમ પાંચ મહિના

અને પાંચમા તબક્કામાં ડિસેમ્બર-2021થી માર્ચ-2022 એમ ચાર મહિના મળી સમગ્ર વર્ષ દરમિયાન મે-2021થી માર્ચ-2022 એમ કુલ અગિયાર માસ દરમિયાન રાહત દરે મળવાપાત્ર નિયમિત રાશનના લાભ ઉપરાંત પ્રતિ માસ વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી કુલ પાંચ(5) કિલો વધારાના અનાજનો જથ્થો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન આ યોજનાને વધુ છ માસ માટે લંબાવવામાં આવી છે. જે દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં તથા ચોખાના પ્રમાણમાં મે-૨૦૨૨થી આ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નિયમિત રાશનના લાભ ઉપરાંત પ્રતિ માસ વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા મળી કુલ પાંચ (5) કિલો અનાજના વધારાના રાશનનો લાભ વિનામૂલ્યે મળી રહ્યો છે.

આ યોજનામાં ભારત સરકાર તરફથી અનાજ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013ના નોર્મ્સ મુજબ ટ્રાન્સ્પોર્ટ, લેબર, કમિશન અંતર્ગત અન્ય આનુસાંગિક ખર્ચ મળે છે. પરંતુ નોર્મ્સ ઉપરાંતનો વધારાનો ખર્ચ 100 ટકા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ વન નેશન વન રાશનકાર્ડ યોજનાના લાભાર્થીઓ પણ કોઈ પણ રાજ્ય કે જિલ્લામાંથી મેળવી રહ્યા છે.

*****

 

આલેખનઃદિવ્યેશવ્યાસ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.