Western Times News

Gujarati News

આંગડિયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું કાવતરૂ રચી કાઢ્યું

પંચમહાલ, આંગડિયા પેઢી માં થયેલ ૪૭ લાખની ચોરીનો ભેદ કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગોધરાની મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા પેઢીમાં રૂપિયા ૪૭ લાખ રોકડ અને મોબાઈલની ચોરી થઇ હતી. સવારે ચોરી થઈ બપોરે ભેદ ઉકેલાઈ ગયો હતો.

ગોધરા એલસીબી અને બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલ્યો છે. ૪૭ લાખની ચોરીમાંથી ૪૫ લાખ પોલીસે રિકવર કર્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું કાવતરૂ રચી કાઢ્યું હતું. પોલીસે કાવતરું કરનાર કર્મચારી સહિત તેના બે મિત્રોની ધરપકડ કરી છે. કાવતરું રચનાર તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર કા ભેદી લંકા ઢાયે આ કહેવતને સાચો પાડતો કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં આજે વહેલી સવારે બજાર વચ્ચે આવેલી આંગડિયા પેઢીમાં રૂપિયા ૪૭ લાખની ચોરી થઈ હતી. જેનો ગણતરીના કલાકોમાં એલસીબી પોલીસે ભેદ ઉકેલતા જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે.

ચોરી અન્ય કોઇએ નહીં પરંતુ આંગડિયા પેઢી ના કર્મચારી એ જ મિત્રો સાથે મળી કરી હોવા ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઇ છે. ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલી મહેન્દ્ર સોમાભાઈ પટેલ આંગડીયા પેઢી માંથી રોકડ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળી કુલ ૪૭.૧૨ લાખની ચોરી થઈ હોવાની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આંગડિયા પેઢીના કર્મચારીએ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

જિલ્લા પોલીસવડાએ એલ.સી.બી અને ગોધરા શહેર બી ડીવીઝન પોલીસની ટીમ ની રચના કરી ચોરીનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી. જેથી પોલીસે ગોધરા શહેરના જાહેરમાર્ગો ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ,હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લેતાં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ” ઘર કા ભેદી લંકા ઢાયે ” ઉક્તિ જેમ આંગડિયા પેઢીમાં થયેલી ચોરી એક પૂર્વ આયોજિત કાવતરૂ હોવાનું બહાર આવ્યું હતું. આંગડિયા પેઢીમાં નોકરી કરતાં મેહુલ સોલંકીએ તેના મિત્ર દર્શન સોની સાથે મળી ૪૭ લાખની ચોરી કરવાનું આયોજન કરી નાણાં એડવાન્સમાં સરકાવી લીધા હતા. દર્શનના મોડાસા ખાતે રહેતા સંબંધીને ત્યાં નાણાં ના પેકેટ પહોંચાડી દેવાયા હતા.

બીજી તરફ પેઢીમાં માતબર રકમની ચોરી થઈ હોવાની જયપાલસિંહ રાઠોડને જાણ થતાં તેઓએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓ (૧) મેહુલસિંહ તખતસિંહ સોલંકી રહે.તરસંગ લીમડાવાળુ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ (ર) દર્શન ઉર્ફે પેન્ટર પંકજભાઇ સોની રહે.સોનીવાડ સુરેન્દ્ર સાયકલની પાસે પેન્ટર ખડકી ગોધરા (૩) નરેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર સોની રહે.મકાન નંબર ૪૩, પંચ જયોત સોસાયટી માલપુર રોડ મોડાસા ની બે મોબાઇલ ફોન અને ૪૫ લાખ રૂપિયા રોકડા સાથે ધરપકડ કરી બે લાખ રૂપિયા રીકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.