Western Times News

Gujarati News

નાગરિકોને સ્વયંભુ રીતે ટ્રાફીકના નિયમોનું પાલન કરવાનો અનુરોધ

આણંદ ખાતે કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી

આણંદ- આણંદ ખાતે કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી પરિષદની બેઠક મળી હતી. કલેકટરશ્રીએ નાગરિકોને સ્વયંભૂ રીતે ટ્રાફિકના નિયમોનું અસરકારક પાલન કરવા અનુરોધ કર્યો છે. જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય.

કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે અકસ્માત ઝોન (બ્લેક સ્પોટ) શોધી કાઢવા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી તેમણે જિલ્લાના માર્ગો પર ગતિ અવરોધક બંમ્પ પર સફેદ પટ્ટા લગાવવા, ટ્રાફિક સિગ્નલ ચાલુ રહે તેમજ આણંદ શહેરના મુખ્ય માર્ગો પર ઓડ-ઇવન રીતે પાર્કિંગ માટે જરૂરી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.

વિદ્યાનગર રોડ પર રાત્રિના ૧૧-૩૦ કલાક સુધી સતત ટ્રાફિક નિયમન અને આડેધડ થતું પાર્કિંગ રોકવા માટે ટ્રાફિક પોલીસને ફરજ સોંપવા ઉપસ્થિત પોલીસ અધિકારીને જણાવ્યું હતું. શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે ટુંકી ગલી વિસ્તારમાં ટ્રાફિકની સરળતા રહે માટે બિનજરૂરી દબાણો દૂર કરવા ચીફ ઓફિસરશ્રી ને જણાવ્યું હતું.

સાંસદશ્રી મિતેશભાઇ પટેલે તુલસી ગરનાળા થી ચિખોદરા તરફ જઈ શકાય છે તેવું સાઈન બોર્ડ તુલસી ચોકડી ખાતે લોકો જોઇ વાંચી શકે તે રીતે મુકવા માટે સૂચન કર્યું હતું, જેથી ગણેશ ચોકડી તરફનો ટ્રાફિક ઘટાડી શકાય, કલેકટરશ્રીએ આ અંગે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હતી.

પ્રારંભમાં આરટીઓ અધિકારી શ્રી આર.પી. દાણીએ બેઠકની જરૂરી વિગતો આપી હતી. આ બેઠકમાં માર્ગ સલામતી પરિષદના સભ્યશ્રીઓ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જાડેજા પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી આણંદ નગરપાલિકા, સિવિલ હોસ્પિટલના પ્રતિનિધિશ્રી, ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના અધિકારીશ્રી ઉપસ્થિત રહી  માર્ગ સલામતી અંગે પોતાનો સૂચનો રજૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.