Western Times News

Gujarati News

દેશમાં હવે ઈંથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ઉપલબ્ધઃ તા. ૧ ઓકટો.થી વધારાનો ટેક્ષ નહી લાગે

પ્રદુષણ સામેની લડાઈમાં પ્રથમ સફળતા

(માહિતી) રાજપીપલા, રાજપીપલાના ટેકરા ફળિયાની બે મુકબધિર સગી બહેનો માટે  “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ સાચા અર્થમાં ‘આધાર’ બન્યો છે અને બાળપણથી જ બોલી કે સાંભળી ન શકતી બહેનોને જિલ્લા કલેક્ટરશ્રીડી.એ.શાહના પ્રયાસોથી હિયરિંગ એડની સહાય મળતા જીવનમાં સૌપ્રથમ વખત બીજાના સાદના પડઘમનો અહેસાસ કર્યો છે.

રાજપીપલા શહેરનું ટેકરા ફળિયું. અહીંના લોકો મોટાભાગે મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યાં છે. ફળિયાના મોટાભાગના બાળકો પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના અને પદાધિકારીશ્રીઓના સહયોગથી ચાલતા “નોંધારા નો આધાર” પ્રોજેક્ટના કર્મચારીઓ એક દિવસ આ ફળિયામાં સર્વે અર્થે જતાં બે મુકબધિર સગી બહેનો મળી આવી હતી.

જેઓ પોતે બોલી કે સાંભળી શકતી નથી. પરંતુ પોતાનું ગુજરાન ચલાવવા માટે અન્ય લોકોના ઘરે ઘરકામ કરી જીવન જીવી રહી હતી. જિલ્લા વહિવટીતંત્રના સરાહનીય પ્રયાસોથી આજે આ મુકબધિર બહેનોના જીવનમાં અજવાળું પથરાયું છે.
અહીં વાત કરવી છે

શકુબેન મંગાભાઈ વસાવા અને ભારતીબેન મંગાભાઈ વસાવાની. બંને બહેનો બાળપણથી જ સાંભળી કે બોલી શકતી નથી. જેમને નર્મદા જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હિયરિંગ એડ(સાંભળવા માટેનું મશીન) આપવામાં આવ્યું. જેના થકી આ બંને બહેનો સાંભળતા થયા. જીવનમાં સૌપ્રથમ વખત બીજા લોકોની વાત સાંભળતા થતાં તેઓ ભલે બોલી નથી શકતા પરંતુ તેમના હાવભાવ અને ચહેરા પરનું સ્મિત જ તેમના જીવનમાં આવેલા બદલાવને સ્પષ્ટ કરી આપે છે.

માત્ર આટલેથી ન અટકતાં તેમને પગભર કરવા માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ એક સિલાઈ મશીન આપવા માટે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પી.બી રાણપરીયાના હસ્તે બંને બહેનોને થોડા સમય પહેલાં હિયરિંગ એડ અને સિલાઈ મશીન ઘરે જઈને વિતરણ કરવામાં આવતાં

લાભાર્થીઓએ અત્યંત હર્ષ સાથે વહિવટીતંત્રનો તેમની સાંકેતિક ભાષામાં આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં બંને બહેનો ઘરે જ રહીને સિલાઈ મશીન પર કપડાં સીવી રોજગારી પણ મેળવી રહ્યાં છે. હવે રોજગારીની શોધમાં તેમને ઘર છોડીને બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી.

અત્રે નોંધનીય છે કે, આ બંને બહેનોનો બંધુ દિનેશ વસાવાનું કોરોના કાળમાં અવસાન થતાં હાલમાં તેમના ભાભી ક્રિષ્નાબેન અને ત્રણ બાળકો સાથે જીવન ગુજારી રહ્યાં છે. “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ આ બંને બહેનોને દર મહિને રૂપિયા ૧૦૦૦/-ની સહાય પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહી છે.

આ બહેનો ભલે બોલી નથી શકતી પરંતુ તેમની અભિવ્યક્તિ તેમનાં પરિવારજનો થકી કરી શકે છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા તેમના ભાભી રમીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારી બંને નણંદ પહેલાં ઘરકામ કરવા માટે બીજાના ઘરે જતા હતાં. તેઓ બોલી કે સાંભળી શકતા ન હોવાથી બીજા લોકો સાથે સંવાદ કરવામાં ઘણી તકલીફ પડતી હતી. હવે સરકારશ્રી દ્વારા મળેલી સહાય થકી બંનેના જીવનમાં બદલાવ આવ્યો છે. તેઓને સિલાઈ મશીન મળતાં ઘરે બેસીને જ રોજગારી મેળવતા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.