Western Times News

Gujarati News

ધ્રાંગધ્રામાં બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકને સૈન્યના જવાનોએ બચાવ્યો

અમદાવાદ, ધ્રાંગધ્રા સૈન્ય સ્ટેશનને શ્રી શિવમ વર્મા, IPS, ધ્રાંગધ્રા પોલીસ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરફથી 07 જૂન 2022ના રોજ અંદાજે સાંજે 21:29 કલાકે મળેલા કૉલમાં તેમણે ધ્રાંગધ્રા તાલુકાના દૂધાપૂર ગામમાં એક સાંકડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના શિવમ નામના બાળકને બચાવવા માટે વિનંતી કરી હતી. આ સ્થળ સૈન્ય સ્ટેશનનથી લગભગ 20 કિમીના અંતરે છે.

આ કૉલ પ્રાપ્ત થયા બાદ તાત્કાલિક 10 મિનિટમાં બચાવ ટીમ સક્રીય થઇ હતી અને મનિલા રોપ (દોરડું), સર્ચ લાઇટ, સેફ્ટી હાર્નેસ, કેરાબાઇનર વગેરે જેવા આવશ્યક ઉપકરણો લઇને લાઇટ વ્હીકલમાં ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.

ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને નિયંત્રણમાં લીધી હતી કારણ કે ઘટનાસ્થળ પર આખા ગામના લોકો એકત્ર થઇ ગયા હતા. શિવમ નામનો આ બાળક જમીનના સ્તરથી લગભગ 25-30 ફુટ નીચે ફસાયો હતો

 

અને બોરવેલ લગભગ 300 ફુટ સુધી ઊંડો હતો અને તેમાં પાણીનું સ્તર પણ લગભગ તેના નાક સુધી પહોંચી ગયું હતું; બાળકના રડવાનો અવાજ ઉપર સંભળાતો હતો જેના કારણે તે અત્યાર સુધી ઠીક હોવાનું સુનિશ્ચિત થઇ શકતું હતું.

ટીમે યુક્તિપૂર્વક ધાતુના હૂકમાં ફેરફાર કર્યો હતો અને તેને મનિલા રોપ સાથે બાંધ્યું હતું. બાદમાં તેને બોરવેલમાં અંદર નાંખ્યું હતું. થોડી મિનિટોમાં હૂક બાળકના ટીશર્ટમાં ફસાઇ ગયું હતું અને ટીમે ધીમે ધીમે તેમજ સ્થિરતાપૂર્વક દોરડું બહાર ખેચ્યું હતું અને આ રીતે બાળકને સફળતાપૂર્વક બોરવેલમાંથી બચાવી લેવાયો હતો.

ત્યારબાદ, ટીમ બાળકને લઇને પ્રાથમિક સારવાર માટે નજીકમાં આવેલા ધ્રાંગધ્રા જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. શિવમ હાલમાં જોખમમાંથી બહાર છે. જોકે તેને હાલમાં સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.