Western Times News

Gujarati News

૧૩ જુનના રોજ ‘કર્ણાવતી પ્રાકૃતિક ગ્રાહક બજાર’ તથા ‘પ્રાકૃતિક કૃષિ’ પરીસંવાદ યોજાશે

ગ્રામ હાટ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શન અને વેચાણ ત્રણ દિવસ સુધી ખુલ્લુ રહેશે

પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા અમદાવાદ જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્‍થિતિમાં તા.૧૩ જુન, સોમવારના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ગ્રામ હાટ ભવન, પાલડી ખાતે ‘’કર્ણાવતી પ્રાકૃતિક કૃષિ ગ્રાહક બજાર’’ ખુલ્લું મુકવામાં આવશે.

ત્યારબાદ પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, બોડકદેવ ખાતે ૧૦૦૦ કરતા વધુ પ્રગતીશીલ ખેડુતો સાથે ‘’ પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે ‘’ અંગે પરીસંવાદ યોજાશે.

રાજ્યપાલશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્‍યાપક બનાવવા, અમદાવાદ જીલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉમદા હેતુથી તથા તેમની પોતાની કૃષિ ઉપજ માટે વેચાણ વ્યવસ્થા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે

માટે અમદાવાદ શહેરના હાર્દસમા વિસ્‍તાર ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલી ચાર રસ્તા, પાલડી ખાતે ‘’કર્ણાવતી પ્રાકૃતિક ગ્રાહક બજાર’’ નું રાજયપાલશ્રીના વરદ હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં,જીલ્લાના પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉત્‍પાદન મેળવતા હોય એવા અંદાજે ૩૦ થી વધુ ખેડુતો જોડાશે અને જાહેર જનતા માટે આ પ્રદર્શન અને વેચાણ ત્રણ દિવસ સુધી ખુલ્લુ રહેશે.

જીલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા સ્વ ભંડોળ સદરે જીલ્લા વિકાસ અધિકારીશ્રી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ‘’ભૂ- સંજીવની યોજના’’ તથા ‘’કામધેનુ અવતરણ યોજના’’નું રાજયપાલશ્રીના વરદ હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. તથા અમદાવાદ જીલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડુતોની સફળગાથા બુકનું પણ વિમોચન કરવામાં આવશે.

પરિસંવાદમાં ખેડૂતોએ વધારાના કોઇપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડુત ૩૦ એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઇ રીતે કરી શકે અને તેના લાભાલાભ અને ખેતી પધ્ધતિ બાબતે રાજયપાલશ્રી વિસ્તૃત માર્ગદર્શન આપશે.

રાજયપાલશ્રી ગ્રામહાટ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્‍ટોલની મુલાકાત લઇને ખેડુતોને આત્મનિર્ભરતામાં સહયોગી પ્રોત્સાહિત કરશે. સમગ્ર ગુજરાતમાં રાજયપાલશ્રી ત્રણ વર્ષથી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે જિલ્લા વહીવટીતંત્રને પણ દિશાસૂચન કર્યુ છે.

હાલ ખેત પેદાશોમાં વધુ પડતા રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગને કારણે ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયુ પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઇ છે.

પર્યાવરણ પર વિપરીત પરીસ્થતિને કારણે જીવ સૃષ્ટિ પર તેના ખરાબ પરીણામો જોવા મળ્યા છે જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં રાસાયણીક ખાતર તથા જંતુનાશક દવા મુકત ખેતી કરી, ખર્ચમાં ઘટાડો કરી ખેડુતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે મા.પ્રધાનમંત્રીશ્રી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ પંચાયત મહાસંબેલનમાં ૭૫ મા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજયના તમામ ગામોમાં ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે બાબતે આહવાન કર્યુ હતું.

જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેત પધ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુસર તમામ ખેડુતોને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવવા અને શહેરના નાગરીકોને ઝેર મુકત ખોરાક આરોગી તંદુરસ્‍ત આરોગ્ય જળવાય એવા શુભ આશયથી જીલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા શરૂ કરેલ કર્ણાવતી ગ્રાહક પ્રાકૃતિક બજારનો લાભ લેવા તેમજ ખેડુતોને પ્રોત્સાહીત કરવા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા તમામ શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.