Western Times News

Gujarati News

વાંકાનેરના ખેડૂતના એક મધ્યમ કદના આંબા પરથી ૨૭.૫ મણ કેરી ઉતરી

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને અનુસરતા ખેડૂત ધર્મેશ પટેલનું અનુમાન છે કે આ આંબા નજીકના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને લીધે આંબો વિપુલ ફળ્યો

આ વર્ષનો ઉનાળો કેરી થી ભરપુર નથી એવો વસવસો લગભગ રાજ્યભરમાં વ્યક્ત થઈ રહ્યો છે. તેવા સમયે સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશ પટેલના ખેતરના એક આંબા પરથી અધધધ..! બોલી જવાય એટલી ૫૫૫ કિ.ગ્રા.એટલે કે લગભગ સાડા સત્યાવિસ મણ કેરી ઉતરી છે.તેઓ આશ્ચર્ય સાથે જણાવે છે કે ‘ એક આંબા પર આટલી બધી કેરી લાગી હોય એવી મારી જિંદગીની તો આ પ્રથમ ઘટના છે.’

આ લંગડો પ્રજાતિનો આંબો તેમણે લગભગ ૧૩ વર્ષ અગાઉ વાવ્યો હતો.તેની સાથેનો વધુ એક આંબો સુકાઈ ગયો.અને તોતાપુરીના બે આંબા આ લંગડા ના પાડોશી છે જેના પર પણ આ વર્ષે પ્રમાણમાં વહેલી અને અગાઉના વર્ષોની સરખામણી માં મબલખ કેરીઓ લાગી છે.

આ ઘટનાનું શું કારણ હોઈ શકે? એવા સવાલના જવાબમાં ધર્મેશભાઈ એ જણાવ્યું કે,મને લાગે છે કે સુભાષ પાલેકર પદ્ધતિ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને લીધે જમીનમાં વધેલા સત્વ – તત્વ ને લીધે જ આ ઉમદા પરિણામ મળ્યું છે.

ધર્મેશભાઈ છેલ્લા લગભગ ૬ વર્ષથી સુભાષ પાલેકર દ્વારા વિકસિત અને દેશી ઓલાદની ગૌ માતાના છાણ અને મૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેમણે જણાવ્યું કે આ આંબો મેં વાવ્યો ત્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો.આ આંબાની મેં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ પ્રમાણે કોઈ માવજત પણ કરી નથી.

પરંતુ આ આંબાની નજીકના ખેતરમાં હું છેલ્લા ચાર વર્ષથી ગૌ આધારિત પદ્ધતિ થી કેળની ખેતી કરું છું.આ ખેતરના કેળાં વજનમાં ભારે અને સ્વાદિષ્ટ હોવાનું હું અનુભવી રહ્યો છું.બળબળતા ઉનાળામાં આ ખેતરમાં કેળના કુમળા છોડના પાન પીળાં પડતા નથી જે આ ખેતી પદ્ધતિની જમીન સુધારવાની તાકાત દર્શાવે છે.

મને લાગે છે કે આ ખેતરના છેડે આવેલા આંબાઓ ને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી નવ સાધ્ય અને સત્વશીલ થયેલી જમીનનું બળ મળ્યું છે અને એટલે જ આટલી મબલખ કેરીઓ આ નબળાં ગણાતા વર્ષમાં લાગી છે. અને આ તમામ કેરીઓ અને સાથે તોતાપુરીની કેરીઓ ખેતરમાં જ ફક્ત બે દિવસમાં હાથોહાથ અને હાલોહાલ વેચાઈ ગઈ અને ખાનારોએ તેની મીઠાશના વખાણ કર્યા એથી એમનો ઉત્સાહ બેવડાયો છે.

સરેરાશ ૧૦૦ ગ્રામ વજનની એક કેરીનો અંદાજ મૂકીએ તો આ એક આંબા પર ૫૫૦૦ થી વધુ કેરીઓ લાગી હશે એવું અનુમાન બાંધી શકાય. વળી, એમણે લાગેલી બધી જ કેરીઓ ઉતારી લીધી ન હતી.અંદાજે એકાદ બે મણ કેરીઓ તો પશુ પક્ષી અને ચકલાં ના ભાગ તરીકે ઝાડ પર જ રહેવા દીધી હતી.

ધર્મેશભાઈ અને દશરથ ઝાલા સહિત એમના સાવલી અને ડેસર તાલુકાના એકાદ ડઝન સાથીઓ જમીન,જળ અને પર્યાવરણ ને સુરક્ષિત રાખતી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં વિવિધ નવા પ્રયોગો કરી રહ્યાં છે અને આ પદ્ધતિ અપનાવવાનું રસ ધરાવતા ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે.

એમની વાત જાણવા અને સાંભળવા જેવી ખરી.કારણ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આધારિત વર્તમાન ખેતી થી જમીનનું પોત ક્ષીણ થતું જાય છે એટલે જમીનને નવ સાધ્ય કરે એવી ખેતીના સશક્ત વિકલ્પો શોધવા અને અપનાવવા જ પડશે. (માહિતી)વડોદરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.