Western Times News

Gujarati News

પેટ્રોલનો પૂરતો જથ્થો છે: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી

પેટ્રોલની અછત સર્જાશે તેવો ફેક મેસેજ વાઈરલ થતાં અફરાતફરી

અમદાવાદ,  ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સોશિયલ મીડિયામાં પેટ્રોલ ખૂટી જવાની અફવા સોશિયલ મીડિયામાં ઉડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ શનિવારની અડધી રાત સુધી પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી હતી.

કેટલીક જગ્યાઓએ અડધા કિમીથી પણ વધારે લાંબી લાઈનો જાેવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા પહોંચતાં પેટ્રોલ પંપ માલિકોને પણ પરસેવો વળી ગયો હતો. અને તેઓએ લોકોને સમજાવ્યા છતાં પણ લોકો માન્યા ન હતા.

અને પેટ્રોલ પંપ સાડા બારની આસપાસ બંધ કરી દેવાતાં લોકોએ હોબાળો પણ મચાવી દીધો હતો. આ મામલે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ અને રાજ્યમંત્રી મુકેશ પટેલે પણ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે.

શનિવારે મોડી સાંજે સોશિયલ મીડિયામાં કોઈ ટીખણખોરે મેસેજ વાયરલ કર્યો હતો કે, ખાડી દેશો દ્વારા પેટ્રોલ આપવામાં ન આવતાં આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે. આ અફવા ગુજરાતમાં વાયુવેગે વાયરલ થઈ ગઈ હતી અને મેસેજને સાચો માનીને લોકોએ પેટ્રોલ પંપ તરફ દોટ મૂકી હતી.

મોટી સંખ્યામાં કાર અને બાઈક લઈને પેટ્રોલ પંપ તરફ પહોંચી જતાં પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લાગી હતી. જાે કે, પેટ્રોલ પંપ બહાર લોકોની લાંબી લાઈનો જાેયા બાદ પેટ્રોલ પંપના માલિકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તેઓએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, પેટ્રોલનો પૂરતો જથ્થો અને પેટ્રોલની કોઈ અછત નથી,

તેમજ પેટ્રોલ પંપ બંધ પણ થવાનું નથી. પણ વોટ્‌સએપ મેસેજને સાચો માનતાં લોકોએ પેટ્રોલ પંપના માલિકોની વાત પર વિશ્વાસ આવ્યો ન હતો. તેઓએ પેટ્રોલ પંપના માલિકોને ધરાર પેટ્રોલ પૂરાવવા માટે દબાણ બનાવ્યું હતું અને સાડા બારની આસપાસ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવતાં લાઈનોમાં ઉભા રહેલાં લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો.

ગુજરાતમાં પેટ્રોલની અછતનો મેસેજ વાયરલ થયા બાદ ફાયનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ અને રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પણ આ વાયરલ મેસેજ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી. તેઓએ ટિ્‌વટર સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલનો જથ્થો પૂરતો છે,

અફવાઓથી સાવધાન રહો સમજદાર બનો, સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ બંધ છે કે પેટ્રોલ ખૂટી ગયું છે તેવી કોઈ પણ પોસ્ટ પર ભરમાશો નહીં અને આવા મેસેજ કોઈને મોકલશો પણ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.