Western Times News

Gujarati News

આખો દેશ જાેતો રહેશે તેવો મારો સંસદીય વિસ્તાર બનાવવા માટે હું પ્રતિબદ્ધ છુંઃ કેન્દ્રીય ગૃહમંત્રી

ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગર,  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક જ દિવસમા એક સાથે રૂપિયા ૨૭૯ કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે ભેટ આપી હતી.

સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. શહેરીકરણ, આપત્તિ-ચેલેન્જ નહી અવસર-તક બનાવવાની સિદ્ધિ ગુજરાતેપ્રધાનમંત્રી-ગૃહમંત્રીના દિશાદર્શનમાં મેળવી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ વર્ષના શાસન દરમિયાન સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક વિકાસ કર્યો છે. અગાઉની સરકારોએ ‘ગરીબી હટાવો ‘ના માત્ર નારા આપ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાઓના લાભો લોકોના ઘર સુધી પહોંચાડીને સાચા અર્થમાં ગરીબી હટાવી ગરીબોનું સશકતિકરણ કર્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના નવા ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીના શુદ્ધિકરણ અને નિકાલ કરવાના અંદાજીત રૂપિયા ૧૯૩ કરોડના ૧૫ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા ૮૫.૯૯ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમણે એવી શાસન પદ્ધતિ ઊભી કરી છે કે, નાગરિકોએ માંગણી માટે સરકાર પાસે આવવું ન પડે, સરકાર જ સામેથી યોજનાઓ લઈને નાગરિકો સુધી પહોંચે. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને લગભગ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, ત્યારે ગાંધીનગરના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શરૂ થઈ રહ્યા છે એમ જણાવીને અમિત શાહે કહ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને પોતાના પ્રશ્નો માટે કચેરીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ત્રણ દિવસમા આવી જશે. સંગઠનની ક્ષમતાના આધારે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં સરકારની યોજનાઓ સંગઠનના લોકો સમાજ સુધી લઇ જાય છે અને સમાજની સમસ્યાઓને સંગઠનના લોકો સરકાર સુધી પહોંચાડે છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, અગાઉની સરકારોએ ‘ગરીબી હટાવો’ ના માત્ર નારા આપ્યા, પરંતુ ગરીબી હટી નથી શકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ વર્ષમાં દરેકના ઘર સુધી અનેક સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. ગેસનો ચૂલો ઘરે ઘરે પહોંચ્યો છે. ગરીબો અને જરૂરીયાતમંદ નાગરિકોના બેંકના ખાતાઓ ખુલ્યા છે, વીજળીકરણ, શૌચાલય પછી હવે હર ઘર પીવાનું પાણી પહોંચી રહ્યું છે.

સમગ્ર ભારતમાં ૬૦ કરોડ જેટલા લોકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. આવી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચ્યા છે. અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વસ્પર્શી વિકાસ અને સર્વ સમાવેશક વિકાસ કર્યો છે.

ગામ હોય, શહેર હોય કે વન વિસ્તારમાં રહેતા ગ્રામીણ નાગરિકો, મહાનગરપાલિકા હોય કે મ્યુનિસિપાલિટી હોય સૌને સમાન સુવિધાઓ પહોંચી છે. પ્રધાનમંત્રીના વિકાસના આ ગુજરાત મોડેલની દેશભરમાં ચર્ચા થઈ અને એટલે જ સમગ્ર દેશવાસીઓએ દેશનું શાસન આદરણીય નરેન્દ્ર મોદીના હાથમાં સોંપ્યું. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એલઆઈજી અને એમઆઈજી યોજનાઓના ૧૩૪ આવાસોના ડ્રોમાં ઘરનું ઘર મેળવનારા નાગરિકોને તેમણે અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું હતું કે,

આ ઘરમાં વસવાટ દરમિયાન તમારા તમામ સંકટો સમાપ્ત થઈ જાય અને સૌ સુખી રહો એવી અમારી શુભકામનાઓ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને રૂ. ૧૯૩.૧ર કરોડના ખાતમૂહર્ત તથા રૂ. ૮પ.૮૯ કરોડના લોકાર્પણ મળી એક જ દિવસમાં ર૭૯ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી તેમજ ગુડા દ્વારા રૂ. ૧૩.૧૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૩૪ આવાસોની ફાળવણી ડ્રો દ્વારા કરી હતી.

ગાંધીનગર મહાનગર પાલિકામાં નવા સમાવાયેલા સુઘડ, ભાટ, કોટેશ્વર, અમિયાપૂર, ખોરજ અને ઝૂંડાલમાં ડ્રેનેજ વ્યવસ્થા, વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સ્યુએઝ નેટવર્કના કુલ રૂ. ૧૯૩.૧ર કરોડના કામોના ખાતમૂહર્ત કરવામા આવ્યા છે.

કેન્દ્રીય સહકારિતા અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને દેશનો શ્રેષ્ઠ સંસદીય મતવિસ્તાર બનાવવાની નેમ સાથે કહ્યુ હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાત વિધાનસભા ક્ષેત્રોમાં વિવિધ વિકાસ કામો નાગરિકોની સેવાઓ માટે ખુલ્લા મૂકયા છે.

જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં રૂપિયા ૧૯૮૪ કરોડના કામો, નારણપુરા વિસ્તારમાં રૂપિયા ૧,૩૦૦ કરોડના, વેજલપુર વિસ્તારમાં રૂપિયા ૫૬૧ કરોડના, સાબરમતી વિસ્તારમાં રૂ.૬૩૪, સાણંદમાં રૂપિયા ૭૮૮ કરોડના, કલોલમાં રૂપિયા ૪૯૩ કરોડના તથા ગાંધીનગર ઉત્તરમાં રૂ. ૨,૮૫૭ કરોડના વિવિધ વિકાસકામોના લાભો નાગરિકોને પહોચાડવા બદલ તેમણે ટીમ ગુજરાત ને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.