Western Times News

Gujarati News

ડેરીના પૂર્વ ચેરમેનને બચાવવા પુત્રએ ફાયરિંગ કરતા ચકચાર

મહેસાણા, મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચાલતું રાજકારણ જગજાહેર છે. આજે આ રાજકીય અદાવત હિંસક બની હતી. મંગળવારે ડેરીની વાર્ષિક સાધારણ સભા મળવાની હતી. તે પહેલા ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી ચૌધરીને ઘેરી લઈને ટોળાંએ હુમલો કરી દીધો હતો.

મોઘજીભાઈને બચાવવા માટે તેમના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સમર્થકો અને વર્તમાન ચેરમેન અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે બબાલ થતા ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાવડર પ્લાન્ટના મુદ્દાને રદ કરવાનો મુદ્દો ઉઠવાનો હતો. આ મામલે ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા. તેઓ સવારે ડેરીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા તેમના પર લાકડીઓથી હુમલો કરાયો હતો અને તેમની કારની પણ તોડફોડ કરાઈ હતી.

આ હુમલામાં કારમાં બેઠેલા મોઘજી ચૌધરી અને તેમના ભાણાને ઈજાઓ થઈ હતી. હુમલામાં પોતાને બચાવવા માટે મોઘજી ચૌધરીના પુત્રએ બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતા ટોળું વિખેરાઈ ગયું હતું અને બાદમાં મોઘજી ચૌધરીને રિક્ષામાં બેસાડી સારવાર માટે મોકલાયા હતા.

આ મામલે મોઘજી ચૌધરીએ આ હુમલાને આગોતરું કાવતરું જણાવતા કહ્યું કે, આજની સભામાં ડેરીના સત્તાધીશોના કરતૂત બહાર લાવવા હતા અને ઠરાવમાં પ્રશ્ન પૂછવાના હતા. પરંતુ જ્યારે તેઓ અને તેમનો દીકરો કાર લઈને ડેરીના ગેટ પાસે આવ્યા ત્યારે ડેરીના સિક્યોરિટી, સુપરવાઈઝર સહિતના ટોળાએ તેમની કાર રોકી અને તેમને કારમાંથી બહાર કાઢી કાર પર લાકડીઓ મારી હતી અને તેમને પણ માર માર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ દરમિયાન તેમનો દીકરો અને ભાણો તેમને બચાવવા આવતા ટોળાએ તેમના પર પણ હુમલો કર્યો હતો. જેથી તેમના પુત્રએ તેની પાસે રહેલી લાઈસન્સવાળી રિવોલ્વરથી સ્વ બચાવવામાં હવામાં ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઈ ગયું હતું. તે પછી આસપાસના લોકોએ અમને રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મોઘજીબાઈએ કહ્યું કે, ડેરીના ચેરમેનના આદેશથી આ કાવતરું રચાયું છે.

દૂધસાગર ડેરીના નવા નિયામક મંડળ પર ખોટા ખર્ચ કરીને ડેરીને નુકસાન કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ મૂકાયો છે. ડેરીના પૂર્વ ચેરમેન મોઘજી ચૌધરી દ્વારા ડેરીના વર્તમાન સત્તાધિશો પર આક્ષેપ કરાયા છે.
હાલમાં ડેરી ખાતે દરરોજ ૧૬૦ મેટ્રિક ટનના ચરા પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે. હાલમાં પ્લાન્ટની ક્ષમતા કરતા અડધું વેચાણ થયા છે.

છતાં ૨૮૦ કરોડનો નવો પાવડર પ્લાન્ટ બનાવવાનો ર્નિણય કેમ લેવાયો તેવો સવાલ તેમના દ્વારા ઉઠાવાયો છે. આ પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ કરવાની તેમણે માગણી કરી હતી. પાવડર પ્લાન્ટ બનાવવાને બદલે માનેસર અને ધારુહેડા પ્લાન્ટમાં પાઉચ પેકિંગ વધારી દિલ્હીમાં દૂધનું વેચાણ કેમ વધારવામાં આવતું નથી તેવો સવાલ પણ તેમણે કર્યો છે. ફેડરેશન દ્વારા હજુ પણ દૂધસાગર ડેરી પ્રત્યે ઓરમાયું વર્તન થતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.